સુરેન્દ્રનગર : 19 માર્ચ
પ્રધાનમંત્રી ના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા પ્રાકૃતિક ખેતી મહત્વની સાબિત થશે
સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ઉત્કર્ષ હેલ્થ કેર ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા નિર્મિત સ્વ.ચીમનલાલ મકનજી વ્યાસ લાઇબ્રેરીનું લોકાર્પણ અને કૃષિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલશ્રી દ્વારા નવનિર્મિત લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન હોય છે. સ્વ.શ્રી ચીમનલાલ વ્યાસને પોતાની માતૃભૂમિ માટે અદમ્ય લગાવ અને આત્મીયતા હોવાના કારણે તેમનું સ્મરણ આજીવન રહે તે માટે વ્યાસ પરિવાર દ્વારા આ કોંઢ ગામમાં લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજના યુગમાં ભારત જેવા દેશમાં જ્યાં માતૃ દેવો ભવ અને પિતૃ દેવો ભવને આદર્શ માનવામાં આવતો હતો. તે ઋષિઓની ભૂમિમાં આજે દેશમાં જેવી રીતે ગૌશાળાઓ બનાવવામાં આવી રહી છે, તેવી જ રીતે વૃદ્ધાશ્રમ પણ બની રહ્યા છે. જે શરમજનક ઘટના છે. રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતું કે, માતા-પિતાનું ઋણ અદા કરવા સ્વ. શ્રી ચીમનભાઈને પ્રિય એવી લાઈબ્રેરીનું નિર્માણ કરી વ્યાસ પરિવારે પરિવારીક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રાકૃતિક ખેતી વિષયક વાત કરતા રાજ્યપાલ એ જણાવ્યું હતું કે, પર્યાવરણ બચાવવા, પાણી બચાવવા અને ધરતીને ઝેર મુક્ત કરવા પ્રાકૃતિક ખેતી ઉત્તમ વિકલ્પ છે. ભારતના ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા પ્રાકૃતિક ખેતી મહત્વની સાબિત થશે.
વધુમાં તેમણે કહ્યું કે, પહેલા બીજની પસંદગી કરી બીજને સંસ્કારિત કરી વાવણી કર્યા બાદ જીવામૃત, ઘન જીવામૃત ઘરમાં તૈયાર કરીને ખેતરમાં સમયસર આપીને જો પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે. તેમજ અળસિયા અને સૂક્ષ્મ જીવાણુંની વૃદ્ધિ થવાના કારણે ઉત્પાદનમાં પણ આપોઆપ વધારો થાય છે.
રાજ્યપાલ એ જણાવ્યું કે, એક અંદાજ પ્રમાણે દુનિયામાં વર્ષ-૨૦૬૦ સુધીજ રાસાયણિક ખેતી થઈ શકશે. ત્યારબાદ જમીન વેરાન અને બિન ઉપજાઉ થઈ જશે. માટે પ્રાકૃતિક ખેતી અપનાવી અને ફરીથી જમીનને લીલી હરિયાળી બનાવવા રાજ્યપાલશ્રીએ ખેડૂતોને આહવાન કર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં ત્રણ સ્વદેશી રસી તૈયાર કરાવીને દેશના લોકોને કોરોનાથી બચાવ્યા છે. તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ખેડૂતોને આહવાન કર્યું હતું કે, આજે ગ્લોબલ વોર્મિંગ એ સૌથી મોટી સમસ્યા બની રહી છે. તેની પાછળ રાસાયણિક ખેતી પણ જવાબદાર છે માટે રાસાયણિક ખેતી છોડી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે.
આ તકે પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે ખેતીમાં અપ્રમાણ, બિનજરૂરી કેમિકલ ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગને કારણે ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે માટે આ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વ્યાસ પરિવાર દ્વારા આ કોંઢ ગામમાં લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો લાભ આજુબાજુના ગામના યુવાન, વૃદ્ધ અને બાળકોને મળશે ગ્રામ્ય વિસ્તારના બાળકો શિક્ષણથી જોડાય એ માટે લાયબ્રેરી ખૂબ ઉપયોગી સાબિત થશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લઇ ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બન્યા છે.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી એ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરી આજે ભારત દેશ વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યો છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણનીતિ અનુસાર હવે બાળકોને ધોરણ-૬થી ૮માં ભગવદ ગીતાના પાઠ ભણાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઉત્કર્ષ હેલ્થ કેર ફાઉન્ડેશન ઇન્ડિયાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી કુસુમ કૌલ વ્યાસે સ્વાગત પ્રવચન કર્યું હતું અને હિમાંશુ વ્યાસે આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરીયા, વિરેન્દ્રસિંહ જાડેજા અને અગ્રણી જગદીશભાઈ મકવાણા, દેવપાલસિંહ ઝાલા, વિરેન્દ્ર આચાર્ય તેમજ ખેડૂતો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.