Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

સુરેન્દ્રનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

236
0
સુરેન્દ્રનગર : 8 માર્ચ

 જિલ્લાની ૨૬ હજારથી વધુ ગંગાસ્વરૂપા બહેનોને માસિક રૂપિયા ૧૨૫૦ની સહાય આપવામાં આવી રહી છે – જિલ્લા કલેકટર કે.સી.સંપટ

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ૮મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બબુબેન પાંચાણીના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર સ્થિત પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીનો  કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓનું સઘન અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત જિલ્લાની ૨૬ હજારથી વધુ ગંગાસ્વરૂપા બહેનોને માસિક રૂપિયા ૧૨૫૦ની સહાય આપવામાં આવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં મહિલા સુરક્ષા માટે અલાયદી ૧૮૧ હેલ્પલાઇન કાર્યરત છે. આ હેલ્પલાઇન થકી હિંસાથી પીડિત કોઇપણ મહિલાને તાત્કાલિક સહાય મળી રહે છે. જેમાં મુખ્યત્વે સ્થળ પર તાત્કાલિક બચાવ, કાઉન્સેલિંગ અને અન્ય જરૂરી વિભાગો/કચેરીઓ જોડે સંકલન કરી પીડિત  મહિલાઓને જરૂરી તમામ મદદ કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લાની ૬૩૦ મહિલાઓએ આ હેલ્પલાઇનની મદદ લીધી છે.


આ પ્રસંગે લીંબડી નગરપાલિકાના પ્રમુખ બેલાબેન વ્યાસે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલા કલ્યાણલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓનો લાભ લઇ આજે મહિલાઓ સાચા અર્થમાં સશક્ત બની પરિવારને મદદરૂપ થઇ રહી છે.
આ પ્રસંગે ડૉ. કિન્નરીબેન ખારોડે પ્રાસંગિક ઉદબોધન કરી મહિલાઓના માનસિક સ્વાસ્થયના મહત્વ વિશે વિસ્તૃત સમજણ આપી હતી.
આ તકે ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખકલ્પનાબેન રાવલ અને થાનગઢ નગરપાલિકાના પ્રમુખ લીનાબેન ડોડિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી જિલ્લામાં મહિલા ક્ષેત્રે મહત્વની કામગીરી કરતી  સંસ્થાઓ અને મહિલાઓને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. તેમજ મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજુરી હુકમ, સહાય ચેક અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાની ફિમેલ હેલ્થ વર્કરોને સુપરવાઈઝર તરીકે બઢતી મળતા પ્રમોશન લેટર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમાર, દહેજ પ્રતિબંધક અધિકારી પૂજાબેન ડોડીયા, અગ્રણી જિજ્ઞાબેન પંડયા તેમજ આંગણવાડી કાર્યકર અને આશાવર્કર સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:  સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here