Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર એસ.ટી.વિભાગની 70 બસો વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવાતા રૂટો બંધ

સુરેન્દ્રનગર એસ.ટી.વિભાગની 70 બસો વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવાતા રૂટો બંધ

150
0
સુરેન્દ્રનગર : 10 માર્ચ

સુરેન્દ્રનગર જિલ્લાના એસ.ટી. ડેપોમાંથી ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમો અંતર્ગત 11 અને 12 માર્ચ દરમિયાન અંદાજે 70 જેટલી બસ ફાળવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પરિણામે આ દિવસોમાં દરમિયાન અંદાજે 82થી વધુ રૂટ બંધ થવાનો ઘાટ સર્જાયો છે.

સરકારી કે અન્ય કાર્યક્રમોમાં પણ વારંવાર એસ.ટી.બસો ફાળવતા લોકોને ખાનગી વાહનોના ભરોસે આવ-જા કરવી પડે છે. આવા સમયે ગાંધીનગરમાં આગામી તા. 11 અને 12 માર્ચના રોજ યોજાનારા પંચાયતી તેમજ ખેલમહાકુંભ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાંથી આ 2 દિવસ માટે એસ.ટી.બસો ફાળવી હોવાનું બહાર આવ્યું છે.

જેમાં સુરેન્દ્રનગર એસટી ડેપોની 25થી 30 તેમજ ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલા ડેપો સહિતની કુલ 70 બસ ફાળવી છે. પરિણામે આગામી આ 2 દિવસ દરમિયાન જિલ્લામાં અંદાજે 82 જેટલા રૂટ બંધ થવાનો ઘાટ પણ સર્જાયો છે. જેને લઇને ફરી પાછા શહેરી તેમજ ગ્રામ્ય પંથકના મુસાફરો અને વિદ્યાર્થીઓને ખાનગી વાહનોના ભરોસે મુસાફરી કરવી પડશે.

જૂનાગઢ શિવરાત્રીના મેળા માટે 25થી 1 માર્ચ સુધી જિલ્લાના 4 ડેપોમાંથી સુરેન્દ્રનગર ડેપોની-7, લીંબડી-3, ધ્રાંગધ્રા-2, ચોટીલા-3 સહિતની એસટી બસો ડ્રાઇવર-કંડક્ટર સાથેની 15 બસો ફાળવાઈ હતી. ઉપરાંત 26 ફેબ્રુઆરીને શનિવારે વઢવાણ ખાતે યોજાયેલા જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં પણ સુરેન્દ્રનગર ડેપોની -3, લીંબડીની-3, ધ્રાંગધ્રાની-2 તેમજ ચોટીલા ડેપોની -2 સહિત કુલ 10 એસટી બસો દોડાવવી હતી. હવે ગાંધીનગરમાં થનારા કાર્યક્રમોમાં 70 જેટલી બસ ફાળવાતા છેલ્લા 15 દિવસોમાં ત્રીજી વખત એસટી બસો અન્ય કાર્યક્રમોમાં દોડાવાઈ છે.

 

અહેવાલ:  સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here