Home વેરાવળ વેરાવળમાં ગેરકાયદેસર બાંઘકામો સામે તંત્રની કાર્યવાહીના સમાચાર પ્રસિઘ્‍ઘ કરનાર પત્રકારને જાનથી મારી...

વેરાવળમાં ગેરકાયદેસર બાંઘકામો સામે તંત્રની કાર્યવાહીના સમાચાર પ્રસિઘ્‍ઘ કરનાર પત્રકારને જાનથી મારી નાંખવાની ઘમકી આપી

85
0
વેરાવળ : 1 એપ્રિલ

વેરાવળમાં ગેરકાયદેસર બાંઘકામો સામે તંત્રની કાર્યવાહીના સમાચાર પ્રસિઘ્‍ઘ કરનાર પત્રકાર ઉપર બિલ્‍ડર અને તેના બે માણસોએ હુમલો કરી જાનથી મારી નાંખવાની ઘમકી આપી

હવે ગેરકાયદેસર બાંધકામો અંગેના છાપામાં સમાચારો છાપવાના બંધ કરી દેજે બાકી આનું પરીણામ સારૂ નહીં આવે એવા ઉચ્‍ચારણો સાથે છરી બતાવી પત્રકારને ઘમકી આપ્‍યા અંગે પત્રકાર જગતમાં રોષ

પીડીત પત્રકારએ ફરીયાદ કરતા પોલીસે બિલ્‍ડર અને તેના બે માણસો વિરૂઘ્‍ઘ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી

આ ઘટનાને લઇ રાજય પત્રકાર એકતા સંગઠન દ્રારા સરકારના ઉચ્‍ચ અઘિકારીઓ અને જવાબદારો સમક્ષ ઘારદાર રજુઆતો કરી પીડીત પત્રકારને સુરક્ષા અને ન્ચાય અપાવવા માંગ કરી


વેરાવળમાં ગેરકાયદેસર બાંઘકામો સામે કાર્યવાહી કરવા અંગે હાઇકોર્ટે પાલીકાને આપેલ આદેશ બાદ શરૂ થયેલ કાર્યવાહીને લઇ મામલો ગરમાયો છે. એવા સમયે ગેરકાયદેસર બાંઘકામો સામે તંત્ર દ્રારા થતી કાર્યવાહીનું રીપોર્ટીંગ કરનાર સ્‍થાનીક પત્રકારને બિલ્‍ડર અને તેના બે મળતીયા દ્રારા મુઢ માર મારી છરી બતાવી હવે પછી ગેરકાયદેસર બાંઘકામો અંગે સમાચાર છાપશો તો જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી. આ ઘટના અંગે ભયભીત થયેલા પત્રકારે બિલ્‍ડર અને તેના બે માણસો સામે ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે. તો બીજી તરફ પત્રકારની ફરીયાદ નોંઘાયા બાદ મોડેથી વગદાર બિલ્‍ડરએ પોલીસ ઉપર દબાણ લાવી પોતાના બચાવ માટે પીડીત પત્રકાર વિરૂઘ્‍ઘ ગુનો નોંઘાવતા પત્રકાર જગતમાં રોષ પ્રર્વતેલ છે. આ મામલે પત્રકાર એકતા સંગઠન દ્રારા સરકારના ઉચ્‍ચ અઘિકારીઓ અને જવાબદારો સુઘી રજુઆતો કરવામાં આવી છે.

ગુજરાતમાં પત્રકારો સુરક્ષા સામે સવાલો સર્જતી ઘટના વેરાવળમાં બની છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્‍ત વિગત મુજબ સૌરાષ્‍ટ્ર ભુમિ અખબારના પત્રકાર રાકેશ પરડવા ગત તા.25 માર્ચના સવારના બજાજ શોરૂમ પાસેથી પોતાની બાઇક પર પુત્ર સામે ઘર તરફ જઇ રહયા હતા. એ સમયે સામેથી સફેદ કલરની જીજે 32 બી 800 ઓડી કાર બાઇક સામે રોગ સાઇડમાં આવી ચડાવવાનો પ્રયાસ કરેલ હતો. બાદમાં કાર ચલાવી રહેલ બિલ્‍ડર ભાવેશ ઠકરારએ કહેલ કે, તને દેખાતું નથી ગાડી આવે છે સાઇડમાં ચલાવને જેથી રાકેશએ હું સાઈડમાં જ છુ તમે સામેથી આવી મારી ઉપર ગાડી નાખી છે. તેમ કહેતા બિલ્‍ડર ભાવેશ ઉશ્કેરાય ગયેલ અને કહેવા લાગેલ કે તું છાપાનો મોટો તંત્રી થઇ ગયેલ છે અને તું છાપામાં ગેરકાયદેસર બાંધકામના સમાચાર બહુ છાપે છે અને હવે પછી તું કાંઇ છાપતા પહેલા વિચાર કરી લેજે તેમ કહી તેની પાસેની છરી બતાવી કહેલ કે જો તું હવે પછી બિલ્ડરો વિરૂધ્ધ ગેરકાયદેસર બાંધકામ અંગેના સમાચારો પ્રસિધ્ધ કરીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમયે બિલ્‍ડરના માણસો અરવિંદ નાઘેરા અને બ્ર‍િજેશ મહેતા બંન્ને મોટર સાયકલ ઉપર આવીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપવા લાગેલ હતા. ત્‍યારે અરવિંદએ કાઠલો પકડીને પેટમાં મુક્કો મારી નેફામાંથી છરી કાઢીને આ તારી સગી નહી થાય કાંઇ વાર નહી લાગે અને તારા રામે રમી જાશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા કહેલ કે હવે ગેરકાયદેસર બાંધકામો અંગેના છાપામાં સમાચારો છાપવાના બંધ કરી દેજે બાકી આનું પરીણામ સારૂ નહીં આવે. આ સમયે ત્‍યાં રાહદારી લોકો ભેગા થઇ જતા બિલ્‍ડર ભાવેશ અને તેના બંન્‍ને માણસો જતા જતા કહેતા ગયા કે આ વખતે તો તું બચી ગયો પણ બીજી વખત તને કોઇ બચાવી નહી શકે. આ વિગતોના આઘારે પત્રકાર રાકેશ પરડવાએ બિલ્‍ડર ભાવેશ ઠકરાર, અરવિંદ નાઘેરા, બ્ર‍િજેશ મહેતા સામે ફરીયાદ કરતા પોલીસે ત્રણેય સામે આઇપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.

પત્રકારએ ફરીયાદના અંતમાં જ વગદાર બિલ્‍ડર દ્રારા તેના તથા તેના પરીવાર ઉપર હુમલો કરાવે અથવા ખોટી ફરીયાદો લખાવી સંડોવાની પ્રવૃતિ કરે તેવો ભય દર્શાવ્‍યો હતો. દરમ્‍યાન પત્રકારની ફરીયાદ નોંઘાયાના દોઢેક કલાક બાદ જ પોલીસ ઉપર દબાણ લાવી વગદાર બિલ્‍ડર દ્રારા પોતાના બચાવ માટે પીડીત પત્રકાર વિરૂઘ્‍ઘ ફરીયાદ નોઘાવતા પત્રકાર જગતમાં રોષની લાગણી પ્રસરેલ છે. આ મામલે રાજય પત્રકાર એકતા સંગઠનના નેજા હેઠળ રાજય સરકારના જવાબદારો અને ઉચ્‍ચ અઘિકારીઓ સમક્ષ ઉગ્ર રજુઆતો કરી પીડીત પત્રકારને ન્‍યાય અપાવવા માંગણી કરી છે. જો પત્રકારની સુરક્ષા બાબતે અને ન્ચાય નહીં મળે તો સમગ્ર રાજયમાં પત્રકારોએ ગાંઘી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્‍ચારી છે.

અત્રે નોંઘનીય છે કે, વેરાવળ શહેરમાં તંત્રની મીઠી નજર હેઠળ બેફામ ગેરકાયદાર બાંઘકામો ચાલી રહેલ હોય અને આ મુદે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થતા પાલીકા તંત્રને કડક કાર્યવાહી કરવાના આદેશ કરાયેલ છે. પત્રકાર પર હિંચકારો હુમલો કરનાર આરોપી બિલ્‍ડર ભાવેશ ઠકરાર પણ ગેરકાયદેસર બાંઘકામ સાથે સંકડાયેલ હોય અને પાલીકા તંત્ર દ્રારા આ બિલ્‍ડરને ગેરકાયદેસસર બાંઘકામો દુર કરવા 11 જેટલી નોટીસો પણ ફટકારેલ છે. આમ છતા તેનું ગેરકાયદેસર બાંઘકામ યથાવતપણે ચાલી રહયુ છે.

અહેવાલ: રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here