કચ્છ : 30 માર્ચ
એપ્રિલ ૨૦૨૨થી શરૂ થનારી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી તણાવમુક્ત પરીક્ષા યોજવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ના પાંચમા સંસ્કરણના કાર્યક્રમની તા.૧લી એપ્રિલ ૨૦૨૨ના રોજ સવારે ૧૧ કલાકે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી ટાઉનહોલ ઇન્ટરએક્ટિવ ફોર્મેટમાં યોજાશે. જેનું જીવંત પ્રસારણ દૂરદર્શન તેમજ પ્રસારણ મીડિયાના તમામ માધ્યમો મારફતે કરવામાં આવશે.
વડાપ્રધાનશ્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ ના આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના બધા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષણભાવકો સુધી જોડાય અને સૌ વોટ્સએપ, ટ્વિટર,ફેસબુક જેવા માધ્યમોથી પણ જોડાઈ ‘પરીક્ષા પે ચર્ચા’ ને જનઆંદોલન બનાવી ‘એક્ઝામ વૉરિયર્સ’ને મનોબળ પૂરું પાડવામાં સહયોગી બને. આવા ઉમદા કાર્યમાં સૌએ જોડાવા કેન્દ્રીય વિદ્યાલય નં-૨( થલસેના) ભુજના આચાર્યશ્રી રાજેશ ત્રિવેદીએ અનુરોધ કર્યો હતો.
આચાર્યશ્રીએ જણાવ્યુ હતુ કે , ‘સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તા.૧-૪-૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કેન્દ્રીય વિદ્યાલય નં-૨( થલસેના) ભુજ ખાતે આ કાર્યક્રમમાં જોડાશે .
વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ કોરોના બાદ ઓફલાઈન અભ્યાસના પ્રારંભ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘એક્ઝામ વોરિયર્સ’ તણાવ મુક્ત પરીક્ષા માટે ‘પરીક્ષા પર ચર્ચા’ક્રાર્યકમ યોજાય છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો ,અભિભાવકોને વિવિધ વિષયો પર ઓનલાઈન રચનાત્મક લેખન સ્પર્ધાના આધારે પસંદ કરાયા છે. તા.૨૮-૧૨-૨૦૨૧ થી ૩-૨-૨૦૨૨ સુધી ‘માયગવર્મેન્ટ’ પ્લેટફોર્મના માધ્યમથી ૧૫.૭ લાખથી વધુ સ્પર્ધકો જોડાયા હતા. તેમાંથી પસંદ કરાયા છે. ભાગ લેનારને પ્રશંસાપત્ર અને વડાપ્રધાનશ્રી દ્વારા લખાયેલ ‘એક્ઝામ વૉરિયર્સ’ પુસ્તક અને વિશેષ કીટ અપાશે.
જિલ્લાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણભાવકો પણ આ કાર્યક્રમમાં વધુમાં વધુ ભાગીદારી નોંધાવી ચર્ચાનો લાભ લે તે માટે મીડિયા સહિત સૌને સહયોગ કરવા આચાર્ય શ્રી રાજેશ ત્રિવેદીએ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમનો વિવિધ મીડિયા માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરાશે જેનો વધુમાં વધુ લોકોને જોડાવવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પણ અનુરોધ કરાયો છે.
આ પરિષદમાં સર્વશ્રી નાયબ માહિતી નિયામકશ્રી એમ.ડી.મોડાસિયા, વસાણી ભાવેશભાઈ, મકબુલભાઈ સમા, બી.એલ. કશ્યપ તેમજ મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં