સુરેન્દ્રનગર : 24 ફેબ્રુઆરી
16 સભ્યોની હાજરીમાં ભાજપે બહુમતીથી બજેટ મંજૂર કર્યું
લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી તા.પંચાયતમાં ચૂંટાયેલા 18માંથી 16 સભ્ય હાજર રહ્યા હતા. સામાન્ય સભામાં ના.હિસાબનીશ ભરતભાઈ સલીયાએ ક્લાર્ક રવિ પટેલની મદદથી તૈયાર કરેલ વર્ષ-2022-23નું 12.38 કરોડના પુરાંતવાળુ બજેટ TDO આર.જી.વણકરના અધ્યક્ષ સ્થાને રજૂ કરવામાં આવ્યું હતું.
લીંબડી તા.પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણાએ જણાવ્યું હતું કે બજેટથી ગ્રામીણ વિસ્તારોનો વિકાસના કામોને વેગ મળશે. વર્ષ-2022-23ના બજેટમાં શિક્ષણ માટે 57 કરોડ, પશુપાલન ક્ષેત્રે 80 લાખ, ખેતીવાડી માટે 60 લાખ, બાંધકામ અને આયોજન માટે 9.90 કરોડ, મકાન સહાય માટે 3 કરોડ સહિત અન્ય અનેક કાર્ય માટે જોગવાઈ કરવામાં આવી છે. ઉપપ્રમુખ વિક્રમભાઈ વડેખણીયાએ જણાવ્યું હતું કે બજેટમાં લીંબડી તાલુકાના લોકોની સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. લોકોની અપેક્ષા પ્રમાણે કામ કરી વિકાસને ગતિ આપવામાં આવશે. સામાન્ય સભામાં ખેંગારસિંહ બોરાણા, કિરીટસિંહ ઝાલા, વિરોધ પક્ષના નેતા સમીરભાઈ સંઘરીયાત સહિતના લીંબડી તાલુકા પંચાયતના સદસ્યોની હાજર રહ્યા હતા. ભાજપે બહુમતીથી 88 કરોડના અંદાજીત ખર્ચનું બજેટ મંજૂર કર્યું હતું.