સુરેન્દ્રનગર : 2 એપ્રિલ
લીંબડી પોલીસ મથકે લોક દરબાર યોજાયો હતો. જોકે મોટાભાગના લોકો અને વેપારીઓએ લોક દરબાર અંગે જાણકારી નહીં હોવાની રાવ કરી હતી. પોલીસે પોતાના માનીતાઓને બોલાવી લોક દરબાર યોજી નાંખ્યો હોવાની વાત પણ વહેતી થઈ છે.

લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ જાણવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના અધ્યક્ષ સ્થાને પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો હતો. લોક દરબારમાં વેપારીઓ દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવી, સી.સી.ટી.વી કેમેરા લગાવવા, હાઈવે સર્કલ પાસે વધી રહેલા અકસ્માતો નિવારવા પોલીસ ચોકી 24 કલાક શરૂ રાખવા અંગે રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ શહેરના કૃષ્ણનગરની મુલાકાત લીધી હતી. ત્યાંના રહીશોએ નગરપાલિકા નજીક આવેલા મફતીયાપરા વિસ્તારમાં દારૂનો વેપલો બંધ કરાવવા રજૂઆત કરી હતી. લોક દરબારમાં DYSP સી.પી.મુંધવા, CPI આઈ.બી.વલવી, PSI વી.એન.ચૌધરી સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.
એસ.પી મહેન્દ્ર બગડીયાએ લોકોની રજૂઆતો પૂર્ણ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. લોકોને નિર્ભય અને નીડર બની પોલીસને મદદરૂપ બનવા અપીલ કરી હતી. કોલેજ, સ્કૂલોમાં ફરિયાદ માટે લેટર બોક્સ લગાવવા પોલીસને સૂચના આપી હતી. લેટર બોક્ષને પોલીસ અઠવાડિયે ચેક કરી ફરિયાદનો નીકાલ કરશે તેવી બાંહેધરી આપી હતી.