Home પંચમહાલ જીલ્લો ટિકિટ મળતાં ફતેસિંહ ચૌહાણે તેમના ફાંકડા અંદાજમાં જણાવ્યું હું વિધાનસભા બેઠકની ચૂંટણી જીતીશ...

ટિકિટ મળતાં ફતેસિંહ ચૌહાણે તેમના ફાંકડા અંદાજમાં જણાવ્યું હું વિધાનસભા બેઠકની ચૂંટણી જીતીશ એ પછી રેતી ખનનની સમસ્યા ઈતિહાસ બની જશે,

110
0

કાલોલ તાલુકાના ઘુસર પંચાયત વિસ્તારની ગોમા નદીમાં રેતી ખનન રોકતા ગ્રામજનો સામે રેતી માફિયાઓની દાદાગીરી : તંત્ર ઘટના સ્થળે પહોંચવા છતાં કાર્યવાહી શુન્ય: ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી હતી.

કાલોલ તાલુકાના ઘુસર પંચાયત વિસ્તારની ગોમા નદીમાં બેફામ રીતે થતા રેતી ખનનના મામલે તંત્રને વારંવારની રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા નહીં લેવાતા ગામ પટની નદીમાં થતા બેફામ ખનનને રોકવા માટે ગુરુવારે ગ્રામજનો અને રેતી માફિયાઓ વચ્ચે થયેલી બબાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, જેથી કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે વેજલપુર પોલીસ, કાલોલ મામલતદાર અને પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહોતી જે અંગે ભારે આશ્ચર્ય સર્જાયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ઘુસર પંચાયત વિસ્તારની ગોમા નદીમાં બેફામપણે થતા રહેલા રેતી ખનન મામલે તંત્રને કરેલી અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી પણ નહીં હલતા ગુરુવારે સવારે સ્થાનિક ગ્રામજનોએ રેતી ભરેલા ત્રણ ચાર ટ્રેક્ટર ઝડપી પાડયા હતા જેને કારણે સ્થાનિક લોકો અને રેતી માફિયાઓ વચ્ચે બબાલ સર્જાઈ હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં રેતી ખનન રોકવા ગયેલા સ્થાનિક યુવાનોએ રેતી ખનન કરતા ટ્રેક્ટરો અટકાવતા ખનન માફિયાઓ દાદાગીરી કરતા હોવાનું પણ જોવા જાણવા મળે છે. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો અને મોબાઇલ ફોનને આધારે જેથી કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે વેજલપુર પોલીસ, કાલોલ મામલતદાર અને પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં ગામલોકોએ ઝડપેલા રેતી ભરેલા ટ્રેક્ટરો લઈને ખનન માફિયાઓ ફરાર થઈ ગયા હતા જેથી કોઈ પણ મુદામાલ વિના કાર્યવાહી કરવાની અનિચ્છા દર્શાવતા તંત્રોએ નરો વા કુંજરો વા કરીને ખાલી હાથે પરત ફરી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે ઘુસર ગામે રેતી ખનન મામલે સર્જાયેલ બબાલ મામલે સાંજ સુધીમાં કોઇ ફરિયાદ નોંધાઈ નથી.
.

અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા વિસ્તારમાં રેતી ખનનનો મામલો ઘણો ગંભીર બની રહ્યો છે, કાલોલ તાલુકા વિસ્તારમાં પસાર થતી ગોમા નદી પર અડાદરાથી શરૂ કરીને સમડીયાની મુવાડી સુધી ઠેર ઠેર રેતી ખનન કરતા ખનન માફિયાઓ અને ટ્રેકટર ચાલકો બેફામ બની રહ્યા છે. જે ગોમા નદી પર અડાદરા, રોયણ, પરુણા, ચલાલી, ભૈરવની મુવાડી, ઘુસર, સુરેલી, ચોરાડુંગરી, અલાલી, સગનપુરા, ઉતરેડિયા, રામનાથ, કંડાચ, જેતપુર, કાલોલ શહેર, સમડીયાની મુવાડી સુધીના દરેક ગ્રામ પંચાયત હદવિસ્તારની નદી પટમાં બેફામપણે તદ્દન ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે. જ્યાં દરેક વિસ્તારમાં સ્થાનિક અસમાજીક તત્વોની મદદથી ભાડુતી તત્વો દ્વારા આખું નેટવર્ક ચલાવતા હોય છે જે ઘુસખોરી અને ભ્રષ્ટાચારની મદદથી જવાબદાર સરકારી તંત્રોને પણ દાબમાં રાખીને દાદાગીરી કરતા હોય છે એવા અનેક કિસ્સાઓ પોલીસ સ્ટેશનના ચોપડે દબાયેલા છે તેમ છતાં રેતી ખનન અને માફીયાગીરી ઓછી થવાને બદલે વકરતી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, તદ્ઉપરાંત નદીતટના કાંઠા, રસ્તાઓ, પર્યાવરણ અને ભુગર્ભજળનો પુરવઠો ખોરવીને જનજીવન માટે વિનાશ નોતરી દીધો છે, જેથી ગામની નદીના પાણી, પર્યાવરણ અને ખનીજની ખુલ્લેઆમ થતી ચોરીને રોકવા તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હાલતુ નથી.
કહેવાય છે કે કાનુન(તંત્ર)ના હાથ ઘણા લાંબા હોય છે પરંતુ કાલોલ વિસ્તારમાં ખનન માફિયાઓ વિરુદ્ધ દરેક જવાબદાર તંત્રના હાથ ટુંકા પડે છે. જોકે શા માટે ટુંકા પડે છે એ તો ભગવાન જાણે.

વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીઓમાં ભાજપની ટિકિટ મળતા તત્કાલીન સમયે પ્રેસ પ્રતિનિધિઓ સમક્ષ પોતાની જીતનો એજન્ડા અને લોકવિશ્વાસ જીતવા માટે ફતેસિંહ ચૌહાણ સમક્ષ પત્રકારોએ કાલોલ તાલુકામાં માથાભારે ખનન માફિયાઓ સામે તંત્રની લાચારી બની રહેલી રેતી ખનનની સમસ્યા ઉજાગર કરવામાં આવી હતી એ સમયે ફતેસિંહ ચૌહાણે તેમના ફાંકડા અંદાજમાં જણાવ્યું હતું કે ‘હું વિધાનસભા બેઠકની ચૂંટણી જીતીશ એ પછી રેતી ખનનની સમસ્યા ઈતિહાસ બની જશે,

રેતી માફિયાઓ ભુગર્ભમાં ઉતરી જશે’ એવું આશ્વાસન આપ્યું હતું. જે પછી ફતેસિંહ ચૌહાણ વિધાનસભાની ચૂંટણી મોટી લીડથી જીત્યા અને ધારાસભ્ય પણ બની ગયા છે પરંતુ તેમના જીત્યા પછી રેતી ખનનની સમસ્યા ઈતિહાસ બનવાને બદલે વધારે વકરી રહી છે, રેતી ખનન માફિયાઓ ભુગર્ભમાં ઉતરી જવાને બદલે વધારે બેફામ બની ગયા છે ત્યારે હવે લોકો કોની પાસે જાય એ પણ એક સમસ્યા બની જવા પામી છે.

તસવીર: કાલોલ તાલુકાના ઘુસર ગામે રેતી ખનન મામલે અસરગ્રસ્ત ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરીને ટ્રેક્ટરો ઝડપી લેતા સમયે ખનન માફિયાઓની દાદાગીરીએ સર્જાયેલા દ્રશ્યો

અહેવાલ મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here