સુરેન્દ્રનગર : 7 માર્ચ
રાજકોટ-લીંબડી હાઈવે પર અકસ્માતના 2 બનાવો બન્યા જેમાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં 2 સાધ્વી અને 1 સેવકને ઈજા પહોંચી હતી. જ્યારે બીજા બનાવમાં બાઈક પર જતાં પતિ-પત્ની અને પુત્રને અજાણ્યા વાહને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પતિનું મોત થયું હતું. જ્યારે પત્ની અને પુત્રને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી અજાણ્યા વાહનચાલકો ફરાર થઈ ગયા હતા. ઘાયલોને સારવાર માટે લીંબડી અને ત્યારબાદ સુરેન્દ્રનગર તથા અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ-લીંબડી હાઈવે પર બલદાણા અને બોડિયા ગામ નજીક અકસ્માતના 2 બનાવો બન્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 5 લોકોને ઈજા પહોંચી હતી. બલદાણા પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં વિહાર માટે જતાં સાધ્વી સંવેદપ્રજ્ઞાજી, સંવેગરસાજી અને સેવક મનોજ પોપટભાઈ દંતાલી ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી સિવિલમાં ખસેડાયા હતા. સાધ્વીજીના અકસ્માત અંગે સમાચાર મળતાં રવિલાલ શાહ, હષર્દભાઈ ગાંધી સહિત જૈન સમાજના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. ઘાયલોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર, અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના બીજા બનાવમાં લીંબડી તાલુકાના જસમતપર ગામના ઈશ્ચરભાઈ ગંગારામભાઈ ચૌહાણ પત્ની ગલાલબેન અને પુત્ર સંજય બાઈક લઈને વડોદથી લીંબડી તરફ આવી રહ્યા હતા. બોડિયા ગામ નજીક પાછળથી માતેલા સાંઢની જેમ આવતા ડમ્પર ચાલકે તેમના બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પત્ની અને પુત્રની નજર સામે જ ઈશ્ચરભાઈ ચૌહાણનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ગલાલબેન અને સંજય ચૌહાણને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઈશ્વર ચૌહાણના મૃતદેહને પીએમ માટે લીંબડી સિવિલમાં ખસેડાયો હતો.