સુરેન્દ્રનગર : 19 એપ્રિલ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલિસ કર્મીઓની ગમે ત્યારે ધરપકડ : મહિલા પીએસઆઇ કડછાને આડકતરી ‘ક્લિનચીટ’
– દેવા ધરજીયા, ક્રિપાલસિંહ, સુભાષ ઘોઘારી અને ઉપેન્દ્રસિંહ ઝાલા સામે દારૂ સાથે ડ્રાઇવરના અપહરણનો ગુન્હો નોંધતી સાયલા પોલિસ
– આ તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ બાદ કરાશે ધરપકડ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આચરવામાં આવેલા ‘તોડકાંડ’ના પડઘા હજુ શમ્યા નથી. અને આટ આટલો વિવાદ થઈ ગયો છતાં ક્રાઇમ બ્રાન્ચે સુધરવાની જગ્યાએ જાણે કે વધુ બગડવાના સમ ખાઈ લીધા હોય તેવી રીતે હવે ‘દારૂકાંડ’ આચરી નાખ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક આયા ગામ પાસેથી દારૂ ભરેલું ક્ન્ટેનર પકડી પાડ્યા બાદ તેને ગમે તેમ કરીને રાજકોટમાં ઘૂસાડી દેવાના મેલા મનસૂબા સાથે ક્રાઈમ બ્રાન્ચના ચાર કર્મીઓનો ‘ખેલ’ સ્ટેટ મોનિટરિંગ સેલે ખુલ્લો પાડી દીધા બાદ સાયલા પોલીસે ચારેય કર્મીઓ સામે ગુનો નોંધ્યો છે. અને હવે તેમનો કોરોના ટેસ્ટ થયા બાદ તે નેગેટિવ આવ્યે તેમની ધરપકડ પણ કરવામાં આવશે. સાયલા પોલીસે ચારેય પોલીસ કર્મીઓ સામે ટ્રકના ડ્રાયવરના અપહરણનો પણ ગુનો નોંધ્યો છે.
આ અંગે સાયલા પોલીસ મથકના પીએસઆઈ મહાવીરસિંહ સોલંકીએ જણાવ્યું કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મીઓ દેવા ધરજીયા, ક્રિપાલસિંહ, ઉપેન્દ્રસિંહ ઝાલા અને સુભાષ ઘોઘારી સામે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. અને હવે નિયમ પ્રમાણે ચારેયનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને તે નેગેટિવ આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. આ ચારેયે મળીને સાયલા પાસેથી દારૂ ભરેલું ટેન્કર પકડી પાડ્યા બાદ તેના ડ્રાયવરનું અપહરણ કરીને રાજકોટ લઈ જઈ રહ્યા હોવાનું પણ ખુલ્યું છે. આ મામલે પીએસઆઈ કડછાની કોઈ ભૂમિકા સામે આવી ન હોવાથી તેમને આડકતરી રીતે ક્લિનચીટ આપી દેવામાં આવી છે. પરંતુ તેમની હજુ પણ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ બેડામાં ચર્ચાતી વિગતો પ્રમાણે સાયલા નજીક આયા ગામેથી 394 પેટી દારૂ ભરેલો ટ્રક પકડાયો હતો.
આટલી જંગી માત્રામાં દારૂ પકડાયા બાદ તેને છોડી દેવા માટે સ્થળ પર જ હાજર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબાણ શરૂ કરી દીધું હતુ. અને તે બાબત ડીજી વિજિલન્સ સુધી પહોંચતાં તાત્કાલિક કાફલો ત્રાટક્યો હતો. અને રાજકોટથી 80 કિલોમીટરનું અંતર અધિકારી તેમજ કોઈપણ પંચને સાથે રાખ્યા વગર દારૂ ભરેલી ટ્રક પસાર કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. એમ કહેવાય છે કે, સાયલાથી દારૂ ભરેલો ટ્રક રાજકોટ લાવવામાં આવી રહ્યો હતો. અને આ ટ્રકનું પાયલોટિંગ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ કરી રહ્યા હતા. સાયલાથી રાજકોટ તરફ જઈ રહેલા દારૂ ભરેલા ટ્રકને પોલીસે અધવચ્ચે અટકાવ્યો હતો. અને તપાસ દરમિયાન ટ્રકમાં 394 પેટી દારૂ હોવાનું ખુલ્યું હતું. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પાયલોટિંગ વચ્ચે દારૂ ભરેલા ટ્રકને અટકાવવામાં આવતાં રાજકોટની ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્તબ્ધ થઈ ગઈ હતી. અને તેને છોડાવવા પ્રયત્નો શરૂ થયા હતા.
ચારેય સામે તોળાતાં સસ્પેન્શનના પગલાં
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ દેવા ધરજીયા સામે આક્ષેપો થયા હોવાથી તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે મુકાયેલા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે તેને ફિલ્ડમાંથી હટાવી પોતાની ચેમ્બર પાસે બેસાડી દીધો હતો. આમ છતાં દેવા ધરજીયા ઉપરી અધિકારીઓની મંજૂરી વગર જ બૂટલેગરને સાથે લઈ સાયલા વિદેશી દારૂ પકડવા ગયો હતો. દેવા ધરજીયા ઉપરાંત ક્રિપાલસિંહ, ઉપેન્દ્રસિંહ ઝાલા અને સુભાષ ઘોઘારી પણ આ કાંડમાં સંડોવાયેલા હોવાથી હવે ચારેય સામે સસ્પેન્શનના પગલાં તોળાઈ રહ્યા છે.
કોન્સ્ટેબલ દેવા ધરજીયા સહિતના ચારેય કર્મીઓ વગોવાયેલા છતાં ક્રાઈમ બ્રાન્ચમાંથી પડતાં શા માટે નથી મુકાતા ?
સાયલા પાસેથી દારૂના ટ્રક ડ્રાયવરનું અપહરણ કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચને જોરદાર છાંટા ઉડ્યા છે. ત્યારે આ કાંડમાં સંડોવાયેલા કોન્સ્ટેબલ દેવા ધરજિયા, ક્રિપાલસિંહ, ઉર્પેન્દ્રસિંહ ઝાલા અને સુભાષ ઘોઘારી વારંવાર વગોવાઈ ગયા હોવા છતાં તેમને ક્રાઈમ બ્રાન્ચમાં યથાવત રાખવામાં આવ્યા હોવાની વાત પણ શંકા ઉપજાવનારી છે. ઉચ્ચ અધિકારીઓને આ ચારેયની કરતૂત વિશે બરાબરની જાણ હોવા છતાં તેમને પડતા મુકવાની જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. તે વાત પણ આગળ જતા બરાબરની નડી જવાની છે તે વાતમાં કોઈ શંકા નથી.
દારૂ ભરાયો ત્યારે 800 પેટી હતો, સાયલા નજીક પહોંચતા 394 પેટી થઈ ગયાની આશંકા
સાયલા નજીકથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દારૂ લઈ અને રાજકોટ તરફ જઈ રહી હતી. તે સમયે સાયલા નજીકથી સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા દારૂના ક્ન્ટેનર સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના ચાર કોન્સ્ટેબલ અને એક પીએસઆઈની અટકાયત કરવામાં આવી હતી. ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે, ટ્રકમાં દારૂ ભરાયો તે સમયે 800 પેટી હતી. પરંતુ સાયલા પહોંચતાં પહોંચતા તે 394 પેટી થઈ ગયો હતો ! હવે આ મામલામાં કેટલું તથ્ય છે તે તો ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો જ ખૂલી શકે.