સુરતઃ : 1 ફેબ્રુઆરી
સુરતઃ રાંદેરમાં ધોળા દિવસે વૃદ્વના ખભામાં લટકાવેલી 1.41 લાખની રોકડની બેગ ચીલઝડપ કરી બે બદમાશ બાઇક પર ફરાર થયા છે. જો કે પહેલા વૃદ્વએ બેગ પકડી રાખી હતી બાદમાં તેઓ નીચે પટકાય જતા બદમાશો રોકડ ભરેલી બેગ લઈ બાઇક પર રફુચક્કર થયા હતા.ઘટનામાં ઝપાઝપીમાં પડી જવાને કારણે વૃદ્વને ઈજા પણ થઈ હતી. ઘટનાને પગલે રાંદેર પોલીસ દોડતી થઈ હતી. પોલીસે વૃદ્વની ફરિયાદ લીધી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ કરી છે.
અડાજણ પાટિયા જીલાની કોમ્પલેક્ષમાં રહેતા 74 વર્ષીય મોહંમદ ઇલ્યાસ અહેમદ નવીવાલા ગોરાટ રોડ પર અઝીઝ મોહંમદ કોમ્યુનિટીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેઓ સોમવારે સવારે ઘરેથી બેગમાં 1,41,500ની રોકડ અને મોબાઇલ લઈ ઓફિસે રિક્ષામાં આવ્યા હતા. રિક્ષાવાળાએ કોમ્યુનિટી હોલ પાસે વૃદ્વને ઉતારી તેઓ ગેટની અંદર જતા હતા તેવામાં બાઇક પર બે બદમાશો આવ્યા અને પાછળથી વૃદ્વનું ખભામાં લટકાવેલું બેગ ચીલઝડપ કરી નાસી ગયા હતા. વૃદ્વ પડી જતા હાથમાં બેગ ઝૂંટવી બદમાશો ભાગી ગયા હતા.વૃદ્વ નીચે પટકાતા ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જયાં સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રાંદેર પોલીસે ફૂટેજ આધારે બાઈક પર આવેલા બે બદમાશોની તપાસ શરૂ કરી છે. વૃદ્વની પહેલા રેકી કરી બાદમાં લૂંટને અંજામ આપ્યો હોવાનું લાગી રહ્યું છે.