Home મોરબી મોરબીમાં ઘરે ઘરે કચરો એકઠો કરવાનો કોન્ટ્રાકટ રદ્દ કર્યા બાદ ઉકરડા ઉપાડવાનો...

મોરબીમાં ઘરે ઘરે કચરો એકઠો કરવાનો કોન્ટ્રાકટ રદ્દ કર્યા બાદ ઉકરડા ઉપાડવાનો કોન્ટ્રાકટ પણ રદ્દ કરાયો

176
0
હળવદ :  1 એપ્રિલ

મોરબી : મોરબીમાં ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવાની કામગીરી કરતી અમદાવાદની શ્રીજી એજન્સીને જાહેર કચરા પોઇન્ટ ઉપરથી કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ પણ અપાયો હોવા છતાં એજન્સી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા અંતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન બાદ ઉકરડા ઉપાડવાનો કોન્ટ્રાકટ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. હવે ખુદ પાલિકા દ્વારા જ કચરો ઉપાડવામાં આવશે.

મોરબી શહેરમાં જાહેર જગ્યાઓ ઉપરથી કચરો ઉપાડવા માટે અમદાવાદની શ્રીજી એજન્સી નામની પેઢીને મોરબી પાલિકા દ્વારા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો પરંતુ લોટમાં લીટા તાણતા કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં ન આવતા કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે. આજે નાણાકીય નવા વર્ષના પ્રારંભે પાલિકા દ્વારા પ્રથમ જાવક નંબરથી સત્તાવાર રીતે આ કોન્ટ્રાકટ રદ્દ કરવામાં આવ્યો છે.

વધુમાં પાલિકા દ્વારા કોન્ટ્રાકટ રદ્દ કરતા પત્રમાં જણાવ્યું છે કે, મોરબી શહેરી વિસ્તારના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં આવેલ તમામ વિસ્તારોના નાના-મોટા કચરાના પોઈન્ટ-ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો પરંતુ ઉપરોક્ત કામગીરીમાં બેદરકારી દાખવતાં વિવિધ મુદાઓ અને કરારની શરતો નં. ૫, ૯, ૧૦, ૨૯ તથા ૩૭ નો વારંવાર ભંગ કરતાં નોટીસ આપવામાં આવેલ અને નોટીસમાં નિર્દિષ્ટ જગ્યા પર કચરો ઉપાડવા તથા દવા છંટકાવની કામગીરી સુધરવા બાબત તાકીદ કરેલ અને રૂ. ૨,૦૦,૧૦૦/- નો દંડ પણ કરવામાં આવેલ.

ઉપરોક્ત બાબતે રૂબરૂ નિરીક્ષણ કરતાં તમારી કામગીરીમાં સુધારો માલૂમ પડેલ ન હોવાથી મોરબીના લોકોના જાહેર આરોગ્ય ઉપર માઠી અસર થતી હોવા ઉપરાંત સ્વચ્છ સર્વેક્ષણ ર૦રરની કામગીરીમાં આ પ્રકારની બેદરકારીને કારણે લોકોનું જાહેર આરોગ્ય જોખમાતું હોવાનું અને મોરબી નગરપાલિકાના નેશનલ રેન્ક પર અસર પડતી હોવાથી આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ કરાયું છે.

આ સંજોગોમાં હવે મોરબી શહેરમાં મોરબી પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં અને જાહેર સ્થળોએ ઉકરડા ઉપાડવામાં મોરબી પાલિકા સ્વબળે કેવી કામગીરી કરે છે તે જોવું રહ્યું.

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here