સુરેન્દ્રનગર : 18 માર્ચ
હોળી મહોત્સવમાં દરેક સમાજે કુરીવાજ, વ્યસન, વેરઝેર રૂપી દૂષણોની પણ હોળી કરી શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે આગળ આવવું જોઇએ
સર્વગ્રાહી, સર્વ સમાવેશી અને સમરસ વિકાસના રંગોથી આપણે આત્મ નિર્ભર ગુજરાતની નેમ પાર પાડવાની છે
સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે વડવાળા દેવ પ્રાગટ્ય દિને મંદિરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રૂપિયા ૩ કરોડ ફાળવવામાં આવતા શ્રી વડવાળા મંદિર-દૂધરેજ ધામ અને સમસ્ત રબારી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું વિશેષ સન્માન કરવા માટે સન્માન સમારંભ યોજાયો હતો.
સન્માન સમારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે જ્યારે સમગ્ર દેશ હોળી ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે આ હોળી મહોત્સવમાં દરેક સમાજે કુરીવાજ, વ્યસન, વેરઝેર રૂપી દૂષણોની પણ હોળી કરી શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે આગળ આવવું જોઇએ. સર્વગ્રાહી, સર્વ સમાવેશી અને સમરસ વિકાસના રંગોથી આપણે આત્મ નિર્ભર ગુજરાતની નેમ પાર પાડવાની છે. સૌનો સાથ, સૌનો વિકાસની સાથે સાથે આત્મ નિર્ભર ગુજરાત થકી આત્મ નિર્ભર ભારતના નિર્ણયને પાર પાડવા માટે પરિશ્રમનો મહિમા, શ્રદ્ધાનું બળ અને સાધુ સંતોના આશીર્વાદ એ મૂડી છે.
વધુમાં મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, રબારી સમાજ પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહેલો સમાજ છે. રબારી સમાજ શ્રેષ્ઠ સમાજ છે અને બીજા સમાજો માટે પ્રેરણા બની રહેશે. રાજ્યમાં એક સમયે ૧૧ યુનિવર્સિટી હતી જે આજે રાજ્ય સરકારના વિશેષ પ્રયાસો થકી ૯૨ જેટલી યુનિવર્સિટી કાર્યરત છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ સત્તાને ધર્મ સત્તાનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળી રહે છે તે આપણી વિશેષતા છે. સંતો સમાજની ચિંતા કરી સમાજ અને વ્યક્તિઓના દુખો દૂર કરવા માટે પ્રવાસ ખેડી રહ્યા છે. વડવાળા ગુરુગાદી એ પણ ખૂબ સારા કાર્યો, હરહંમેશ કર્યા છે. કોઇપણ આપત્તિ સમયે પ્રજાજનોની પડખે ઊભા રહી સેવા કરવી તે ગુરુગાદીનો પ્રથમ ધર્મ રહ્યો છે.
મુખ્યમંત્રી એ કોરોના કાળમાં થયેલ સેવા કાર્યો અંગે જણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્ય સરકારે પ્રજાજનોની પડખે ઊભી રહી અનેક સેવાકાર્યો થકી કોઇ પણ વ્યક્તિને કપરા કાળમાં ભૂખ્યા સુવા દીધા નથી. રાજ્ય સરકારની પણ પ્રજાજનો વચ્ચે ઊભા રહીને કાર્ય કરવાની અનોખી પદ્ધતિ છે.
આ પ્રસંગે માર્ગ અને મકાન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર યાત્રાધામો પ્રત્યે લોકોની શ્રધ્ધા મજબુત થાય તે દિશામાં કાર્ય કરી રહી છે. આજે યાત્રાધામોમાં વિવિધ આનુસાંગીક સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે.
લોકોમાં ધાર્મિક ભાવના, શ્રધ્ધા વધારવાનું કામ રાજય સરકાર કરી રહી છે. તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશની અંદર પ્રત્યેક વ્યકિતની ધાર્મિક શકિત અને ભકિતને વાચા આપવાનું કામ તેમજ આ શકિત અને ભકિતને રાષ્ટ્રભાવનામાં રૂપાંતરિત કરવાનું કામ રાજય સરકાર કટિબધ્ધતાથી કરી રહી છે.
આ તકે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, દુધરેજ વડવાળા મંદિર દ્વારા અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ભૂકંપ, કોરોનાકાળ જેવા સમયમાં આવી જગ્યાઓ દ્વારા ભોજન જેવી વ્યવસ્થાઓ પુરી પાડીને લોકોની સેવા કરવામાં આવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકાર દરેક સમાજ ગૌરવ લે તેવું કામ કરી રહી છે. આજે શિક્ષણ અને ટેકનોલોજીના સમયમાં રબારી સમાજ કદમથી કદમ મિલાવી રહયો છે. દરેક સમાજ શિક્ષિત અને દિક્ષિત બને તે દિશામાં રાજય સરકાર કાર્ય કરી રહી છે.
આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, સમસ્ત રબારી સમાજ માટે સૌથી મહત્વના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સમાજ પ્રત્યેની ભાવના અને લાગણીના કારણે આજે ગુજરાત સરકાર વડવાળા દેવના દર્શને આવી છે.
વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે, રાજય સરકારે દુધરેજ વડવાળા મંદિર યાત્રાધામના વિકાસ માટે રૂપિયા ૩ કરોડની સહાય ફાળવી રાજય સરકાર તેની જવાબદારી નિભાવી રહી છે. તેમ પણ ઉમેર્યું હતું.
આ પ્રસંગે દૂધરેજ વડવાળા મંદિરના મહંતશ્રી કનીરામદાસ બાપુએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી આર્શિવચન પાઠવ્યા હતા તેમજ દુધરેજ વડવાળા મંદિરના મહાત્મય વિશે જાણકારી આપી હતી.
આ પ્રસંગે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત માલજીભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન કરી દૂધરેજ વડવાળા મંદિરના વિકાસ માટે ૩ કરોડની સહાય આપવા બદલ રાજય સરકારનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં કોઠારીશ્રી મુકુંદરામબાપુએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ અગ્રણી ભોળાભાઈ રબારીએ આભાર વિધિ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર પાસેના દૂધરેજ વડવાળા મંદિર ખાતે ભગવાન વડવાળા દેવના પ્રાગટ્ય દિન નિમિત્તે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આ તકે મુખ્યમંત્રી નું પાઘડી, બંડી, લાકડી અને ગૌમાતાના પ્રતિકથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદી, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર શહેરમાં આવેલ ઉમિયા મંદિરના પણ દર્શન કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, પૂર્વગૃહ રાજય મંત્રી રજનીભાઈ પટેલ, મહંતશ્રી હરદેવદાસબાપુ, મહંત શ્રી જગજીવનદાસજી, સ્વામી અનંતાનદજી મહારાજ-પંજાબ અગ્રણી જગદીશભાઈ મકવાણા, વિરેન્દ્રભાઈ આચાર્ય, વર્ષાબેન દોશી, અનિરૂધ્ધસિંહ પઢિયાર, રણછોડભાઈ રબારી, બાબુભાઇ દેસાઇ, અમરશીભાઈ રબારી, માવજીભાઈ દેસાઈ, અરજણભાઈ રબારી, ઘનશ્યામભાઈ સાવધરીયા, દેવશીભાઈ પઢેરીયા, ધરમશીભાઈ રબારી, અલ્પેશભાઈ સાંબડ, સંજયભાઈ દેસાઈ, હિરાભાઈ રબારી, અરજણભાઈ રબારી તેમજ મંદિરના સંતો સહિત રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.