Home જુનાગઢ જુનાગઢના ગડુ ગામે ભૂમાફિયાઓએ 500થી 700 વિઘા જમીનનો બારોબાર વહીવટ ચાલુ કર્યો...

જુનાગઢના ગડુ ગામે ભૂમાફિયાઓએ 500થી 700 વિઘા જમીનનો બારોબાર વહીવટ ચાલુ કર્યો !

137
0
જૂનાગઢ : 22 માર્ચ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ગડુ તથા વિશણવેલ ગામમાં આવેલી અલગ અલગ સર્વે નંબરની 500થી 700 વિઘા જમીનને લઇ વિવાદ ઉભો થયો છે. આ જમીનમાં કાઠિયાવાડ ઇન્ડસ્ટ્રીઝને 99 વર્ષના ભાડા પટ્ટે ઉદ્યોગના વિકાસ હેતુ માટે આપવામાં આવી છે. પરંતુ આ કંપની ખોટમાં જતાં તેણે ભાડા પટ્ટાની જમીનનો વેપલો શરૂ કરી દીધો હોવાની ફરિયાદો ઉઠી છે. આ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. જેમાં 2015માં વચગાળાનો મનાઇ હુકમ આપવામાં આવ્યો હોવા છતાં માત્ર ચીઠ્ઠી પર જ પ્લોટ વેચવામાં આવી રહ્યાં છે.

ગડુ તથા વિશણવેલ ગામની અલગ અલગ સર્વે નંબરની કુલ 241 એકર જેટલી જમીન જુનાગઢના નવાબ દ્વારા 99 વર્ષના ભાડા પટ્ટાથી 24મી માર્ચ,1943 તથા 10મી જૂન, 1944થી દિલાવર સીંડીકેટના નામથી ફાળવવામાં આવી હતી. બાદમાં દિલાવર સીંડીકેટને કાઠીયાવાડ ઇન્ડસ્ટ્રીઝના નામથી તબદીલ કરવામાં આવી હતી. નવાબે જે તે સમયે ઉદ્યોગ થઇ શકે તે માટે જમીન ફાળવી હતી. જોકે, આ જમીન માત્ર ઔદ્યોગીક હેતુસર જ ફાળવવામાં આવેલી હોય તેવી કોઇ સ્પષ્ટ જોગવાઇ કે શરત હુકમમાં કરી નથી.
કોર્ટમાં કરાયેલી દલીલો મુજબ, આ જમીનમાં કાઠીયાવાડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોટી અને ટ્રેનરી ઉદ્યોગની સ્થાપના કરી હતી. પરંતુ કંપની નુકશાન કરતી હતી અને 1982-83માં ભયંકર વાવાઝોડાના કારણે અને બાદમાં અતિવૃષ્ટીના કારણે કંપનીને મોટું નુકશાન થયું હતું. જેથી કંપનીનું ઉત્પાદન બંધ થઇ ગયું હતું. જોકે, કંપની પુનઃ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો છે.


હાલ આ જમીનને લઇ ભારે કાનુની ગુંચવણ ઉભી થઈ છે. કાઠીયાવાડી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો દ્વારા આજમીન ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ગરીબ અને મધ્યવર્ગના લોકો પાસેથી પૈસા લઇ દસ્તાવેજ ન અપાતા હોવાના પણ આક્ષેપ થઇ રહ્યાં છે. આ ઉપરાંત કોઇ પણ પ્રકારના દસ્તાવેજ કે ભાડા કરાર પણ કરી આપવામાં આવતાં નથી. કાયદાકીય દસ્તાવેજોના અભાવે રહિશોને વિજ કનેકશન પણ મળતું નથી.

કલેક્ટરે 2014માં શરત ભંગની નોટીસ આપી હતી 
જૂનાગઢ કલેક્ટર દ્વારા 2014માં શરતભંગની નોટીસ પણ આપી હતી. આ નોટીસમાં જણાવ્યું હતું કે, જમીન ઔદ્યોગીક હેતુસર ફાળવવામાં આવી છે. પરંતુ કારખાનુ બંધ છે, મોટા ભાગની જમીન પડતર છે, કેટલીક જમીનમાં હોટલ, કેબીન, ક્વાર્ટર, દુકાનો આવેલી છે. આ જમીનનો વાદી ઉપયોગ કરતા ન હોવાથી જમીન જે હેતુ માટે ફાળવેલી છે, તે હેતુ માટે ઉપયોગ કરતા ન હોય અન્ય હેતુ માટે ઉપયોગ કરતા હોય શરત ભંગ સ્પષ્ટ સાબિત થાય છે. જેથી આ જમીન મહેસુલી કાયદા અન્વયે પરત લેવી અને મહત્તમ દંડ કરવાનું પણ જણાવ્યું હતું. જોકે, આ મામલો કોર્ટમાં જતાં કોર્ટે કોઇ શરત ભંગ થતો નથી તેમ ઠરાવ્યું હતું, જેથી જમીન ખાલસા કરી શકાય નહીં તેમ ઠરાવ્યું હતું. આ બાબતે હજુ વિવાદ ચાલુ છે.

 

અહેવાલ: વૈશાલી કગરાણા, જૂનાગઢ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here