Home પાટણ જિલ્લા કલેકટરે રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવેનું સમારકામ તાત્કાલીક પૂર્ણ કરવા NHAIને તાકીદ કરી

જિલ્લા કલેકટરે રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવેનું સમારકામ તાત્કાલીક પૂર્ણ કરવા NHAIને તાકીદ કરી

218
0
પાટણ : 25 માર્ચ

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ અવારનવાર થતા માર્ગ અકસ્માતો રોકવા તથા ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અંગે સમીક્ષા કરી તે અંગે ત્વરીત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સુચના આપી હતી.
ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાવાની સંભાવના હોય છે ત્યારે રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવેનું તાત્કાલીક ધોરણે સમારકામ પૂર્ણ કરવા નેશનલ હાઈવે ઑથોરીટી ઑફ ઈન્ડિયાના અધિકારીશ્રીઓને કડક સુચના આપતાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, નેશનલ હાઈવે પર થનાર અકસ્માતમાં નેશનલ હાઈવે ઑથોરીટી સામે ગુનો નોંધવામાં આવશે અને જો અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે ઑથોરીટીની રહેશે. સાથે જ NHAI પાસેથી દંડ વસૂલવા પણ આર.ટી.ઓ.ને સુચના આપી હતી.
વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ પોલીસ અધિક્ષકની કચેરી અને જિલ્લા ન્યાયાલય પાસેના રસ્તાનું તાત્કાલીક સમારકામ કરવા સુચના આપી હતી. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે શહેરમાં નો પાર્કીંગ ઝોન નક્કી કરવામાં આવશે. નો પાર્કીંગનો ભંગ કરી ટ્રાફિકને અવરોધરૂપ થનાર વાહનો ટોઈંગ કરવામાં આવશે.

પાટણ શહેરની સિદ્ધપુર ચોકડી પર નિર્માણાધીન ઓવરહેડ બ્રીજના કારણે આપવામાં આવેલા ડાયવર્ઝનના કારણે દ્વિચક્રી વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે રસ્તાની નિયમિત સાફ-સફાઈ તથા પાણીનો છંટકાવ કરવા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણઆએ નગરપાલીકાને સુચના આપી હતી. સાથે જ પડી જવાથી કોઈ વ્યક્તિને શારીરિક ઈજા ન થાય તે માટે રોડની બાજુ પર લગાવવામાં આવેલા પતરાની ઉંચાઈ વધારવા માર્ગ અને મકાન વિભાગને સુચના આપી હતી.

આ ઉપરાંત પાટણ-ચાણસ્મા હાઈવે પર પડેલા ખાડા પુરવા પેચવર્ક કરવા અને વધુ અકસ્માતો થતા હોય તેવા સ્થળોએ સ્પીડ બ્રેકર, સાઈન બોર્ડ તથા રિફ્લેક્ટર સહિતની વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જરૂરી સુચનાઓ આપી હતી. જે સ્થળોએ રોડ ટર્નિંગ પર વૃક્ષોના કારણે વિઝીબિલીટી ઓછી જણાય તેવા રસ્તાઓ પરના વૃક્ષોનું કટીંગ તથા પૃનિંગ કરવા પણ જિલ્લા કલેક્ટરે તાકીદ કરી હતી.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here