પાટણ : 3 ફેબ્રુઆરી
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે આવેલા અવધેશ આશ્રમમાં રામગીરી બાપુ દ્વારા છેલ્લા ઘણા સમયથી જરૂરિયાત મંદ આંખોના દર્દીઓને મફત આંખના ઓપરેશન અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેને લઈ આજે ગુરૂવારના રોજ અવધેશ આશ્રમ ખાતે આંખોનું નિદાન અને મોતિયાના ઓપરેશનના સંદર્ભે કેમ્પ યોજાયો હતો. જેમાં ખોરસમ સહિત ચાણસ્મા તાલુકાના, પાટણ તાલુકાના, હારીજ તાલુકા ના મળી 150 આંખોના દર્દીઓએ તેમની આંખોનું નિદાન કરાવ્યું હતું.
150 આંખોના દર્દીઓ પૈકી 70 દર્દીઓને મોતીયાનું ઓપરેશન કરાવવાની જરૂરિયાત હોવાનું નિદાન થતાં રામગીરી બાપુ દ્વારા રાજકોટ ખાતે આવેલા રણછોડદાસ બાપુ ટ્રસ્ટની આંખોની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન કરવા માટે મોકલી આપ્યા હતા.
અત્યાર સુધી રામગીરી બાપુ દ્વારા જરૂરિયાતમંદ દસ હજારથી વધારે દર્દીઓને મફત મોતીયાના ઓપરેશન કરાવી સેવા યજ્ઞનું સફળ કાર્ય કર્યું છે. રામગીરી બાપુના આદેશ અનુસાર તેમના સેવકો દ્વારા વરાણા અને અંબાજી પદયાત્રાએ જતા લોકો માટે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અવધેશ આશ્રમ ખોરસમન રામગીરી બાપુ, નિત્યાનંદ મહારાજ ધાણોધરડા, ચતુરભાઇ પટેલ આર એસ એસ મહેસાણા, કિરીટભાઇ મોદી મહેસાણા, પૂર્વ સરપંચ ગાંડાભાઇ પટેલ, અમૃતભાઇ પટેલ સહિત તેમજ આંખોનું નિદાન કરાવવા આવેલા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.