પાટણ : 7 ફેબ્રુઆરી
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પાટણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત કલા મહાકુંભ-2021નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંકુલ ખાતે સિદ્ધપુર તાલુકાનો તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંકુલના ઑડીટોરીયમ, સેમિનાર હૉલ સહિતના સ્થળોએ મહાકુંભ-2021 અંતર્ગત સિદ્ધપુર તાલુકાના સ્પર્ધકો વચ્ચે તાલુકાકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. જેમાં લોક નૃત્ય, ગરબા, ભરતનાટ્યમ, વકતૃત્વ સ્પર્ધા, સમૂહગીત, એકપાત્રીય અભિનય, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં કુલ 300થી વધુ સ્પર્ધકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ-19 ગાઈડલાઈનના પાલન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરેન્દ્ર પટેલ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સુનિલકુમાર જોષી, રજીસ્ટ્રાર હિંમતસિંહ રાજપૂત, ડાયરેક્ટર ઓફ સ્કુલ ગોકુલ પબ્લિક સ્કુલ ચેતનાસિંઘ રાજપૂત, મદદનીશ શિક્ષણ નિરીક્ષક જાગૃતિબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.