Home આણંદ બોરસદ પાલિકાના કર્મીએ 64 હજારની ઉચાપત કરી

બોરસદ પાલિકાના કર્મીએ 64 હજારની ઉચાપત કરી

પાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર અને ઇન્ચાર્જ ભાડા કારકુન તરીકે ફરજ દરમિયાન ભાડાની રકમ જમા ન કરાવી

143
0

આણંદ.
બોરસદ પાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર અને ઇન્ચાર્જ ભાડા કારકુન તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ભાડુઆત પાસેથી મળેલા રૂ.64,330 જમા કરાવ્યાં નહતાં. આ અંગે ચીફ ઓફિસરે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોરસદ પાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બોરસદ પાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર અને ઇન્ચાર્જ ભાડા કારકુન તરીકે પ્રશાંત મહેશભાઈ ઠાકર (રહે.કૃષ્ણનગર-2, બોરસદ) ફરજ બજાવે છે. તેઓની ફરજ પાલિકાના વેરાના નાણા ઉઘરાવી પાલિકામાં જમા કરાવવાના હોય છે. છેલ્લા ચારેક મહિનાથી પાલિકા બોરસદ ખાતે ટેક્સ ઇન્સ્પેક્ટર અને ઇન્ચાર્જ ભાડા કારકુન તરીકે ફરજ બજાવતા પ્રશાંતભાઈ ઠાકર પાલિકા હસ્તકના ભાડા પેટેના નાણા ઉઘરાવી જમા કરાવતા ન હોવાની રજુઆત મળતી હતી. જેથી આ બાબતે પાલિકાના વહીવટદાર તથા પ્રાંત અધિકારી જયકુમાર બારોટે પંચોની હાજરીમાં 29મી એપ્રિલ,23ના રોજ પાલિકાના વેરા દફતરની ચકાસણી કરી હતી. તો તે સમયના ઇન્ચાર્જ રઇશઅશરફ સમીરઉલ્લા પઠાણ પાસેથી વર્ષ 2017-18ની પાવતી બુક મેળવી ખરાઇ કરી હતી. જેમાં પ્રશાંત ઠાકર હસ્તકની પાલિકાની કાયદેસરની વેરા પાવતીની પહોંચ નં.9322 તથા 9324 કચેરીના પ્રશાંતભાઇની સહીવાળી મળી આવી હતી. જેમાં નીચે જણાવેલા નાણા આપનારાઓ પાસેથી પ્રશાંતભાઈએ નાણા મેળવી નગરપાલિકામાં એકાઉન્ટન્ટ પાસે જમા કરાવવાના હોય જે નાણા જમા કરાવ્યાં નહતાં. આ તપાસમાં જયંતીભાઈ મગનભાઈ પંચાલ પાસેથી વસુલ કરેલા રૂ.34,830, રાવજીભાઈ જીવણભાઈ પટેલ પાસેથી મળેલા રૂ.17,700 અને રાવજી જીવણભાઈ પટેલ તથા પંકજભાઈ રાવજીભાઈ પટેલ પાસેથી વસુલ કરવામાં આવેલા રૂ.11,800 એમ ત્રણેય પાવતીઓની રકમ પ્રશાંતભાઈએ નાણા ભરનારને પહોંચ આપેલી હોવા છતાં અને પહોંચ બદલના નાણા તેઓ પાસેથી વસુલ લીધેલી હોવા છતાં પાલિકામાં જમા કરાવી નહતી. આમ ઉચાપત થયાનું ખુલયું હતું. આ અંગે બોરસદ શહેર પોલીસે પ્રશાંત મહેશભાઈ ઠાકર (રહે.કૃષ્ણનગર-2, બોરસદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here