પાટણ: 28 એપ્રિલ
૬૨ માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી આગામી ૧ લી મેના રોજ જિલ્લા મથક પાટણ ખાતે યોજાવા જઇ રહી છે ત્યારે મુખ્ય પ્રધાન અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમો અંગે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી અને કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી.
પાટણમાં સૌપ્રથમવાર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થવાની છે ત્યારે આ કાર્યક્રમ ની રૂપરેખા આપતા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માત્ર ગાંધીનગરમાં થતી હતી પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારબાદ આ ઉજવણી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કરવાની શરૂઆત કરી છે.ત્યારે ચાલુ વર્ષે પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી થવાની છે . ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાના 523 ગામડાઓમાં સ્વચ્છતા મિશન , બ્લડ ડોનેશન કેમ્પ , મેડિકલ ચેકઅપ કેમ્પ , કુપોષિત બાળકોને સુપોષિત કરવા સહિતના 21 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.આ ઉપરાંત પાટણ જિલ્લાના ગામડાઓમાં સરપંચ અને લોકો દ્વારા દીવા પ્રગટાવવા ના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે . સ્થાપના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા પાટણ જિલ્લામાં 110 કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવશે તેમજ 330 કરોડના કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
1 લી મે ના રોજ સાંજે પાંચ વાગ્યે કોલેજ કેમ્પસ ખાતે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ દ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ,ડોગ શો,અશ્વ શો ના કાર્યક્રમો યોજાશે . સાંજે સાત વાગે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.આમ પાટણમાં ગુજરાત સ્થાપના દિવસની જાજરમાન ઉજવણી વિકાસ કાર્યોની સાથે કરવામાં આવશે.