વેરાવળ : 13 માર્ચ
ચાર રાજ્યોની ચુંટણીમાં જ્વલંત વિજય બાદ હવે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આ વર્ષના અંતમાં યોજવાની છે. જેને લઈ બંન્ને પક્ષોએ કમ્મર કસી છે. જેમાં આજરોજ વેરાવળમાં જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી પ્રભારી ડો.દિનેશ પરમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં હરીફ પક્ષની જેમ ડીજીટલ માધ્યમનો ભરપુર ઉપયોગ કરી મતદારો સુધી પહોંચવા કોંગી આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપી ડિજીટલ સભ્ય નોંધણીના કાર્યક્રમને ગંભીરતાથી લઈ કામે લાગી જવા પ્રભારીએ આહવાન કર્યુ હતુ. કારોબારીમાં ભાજપની કાર્યશેલી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
દેશના ચાર રાજ્યોમાં ભાજપએ જ્વલંત વિજય હાંસલ કરતાની સાથે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ રોડ શો યોજીને આગામી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધુ છે. તો બીજી તરફ કોંગ્રેસએ પણ કમર કસી હોય તેમ દરેક જિલ્લા અને તાલુકા મથકે બેઠકોનો દોર શરૂ કર્યો છે. ચુંટણી ઓમાં ભાજપને પેજ પ્રમુખ અને માઈક્રો મેનેજમેન્ટ સાથે હાઈટેક પ્રચારનો ખુબ મોટો ફાયદો મળ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ પક્ષએ પણ ડિજીટલ માધ્યમથી કાર્યકર્તાઓને મતદારો સુધી પહોંચવા માટે આયોજન સાથે મેદાનમાં આવી છે. જે અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી ડો.દિનેશ પરમારની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી. જેમાં જિલ્લાના ધારાસભ્યો ભગવાનભાઈ બારડ, મોહનભાઈ વાળા, વિમલ ચુડાસમા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખ ગોહેલ, હીરાભાઈ જોટવા સહિતના મુખ્ય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કારોબારીને સંબોધતા પ્રભારી ડો.દિનેશભાઈ પરમારએ ડિજીટલ સભ્ય નોંધણીના કાર્યને ખુબજ ગંભીરતાથી લઈ સફળ રીતે પાર પાડવા આહવાન કર્યુ હતુ.
આ તકે પ્રભારી ડો.દિનેશ પરમારે વધુમાં જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લો કોંગ્રેસનો ગઢ છે. જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો કોંગ્રેસના કબ્જામાં છે. તો મહત્વની વાત તો એ છે કે, હિંદુત્વની વાતો કરતા ભાજપને પ્રથમ જ્યોર્તિલિંગ અને કરોડો હિન્દુની આસ્થાના પ્રતીક એવા સોમનાથ વિધાનસભાના મતદારો એ જાકારો આપી કોંગ્રેસમાં જન વિશ્વાસ મુકી કોંગ્રેસના ધારાસભ્ય ઉમેદવારને વિજય બનાવી ભાજપની ખોખલી હિંદુત્વની વાતોને જાકારો આપ્યો છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી વહેલી યોજાઈ તેવી શકયતાઓ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ચૂંટણી તૈયારી ઓમાં લાગી ગયા છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં કોંગ્રેસના ગઢ ગણાતા ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો પર ભાજપ કમળ ખીલવી શકશે કે પછી કોંગ્રેસના પંજાની પકડ યથાવત રહેશે તે જોવું રસપ્રદ રહેશે.