નડિયાદ: 22 જાન્યુઆરી
ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અંગત અદાવતને લઈ ઝઘડાઓ હજૂ પણ સમેટવાના નામ નથી લઈ રહ્યા. કપડવંજના વડોલમાં ચૂંટણી બાદ પહેલીવાર મળેલી ગ્રામ સભામાં બોલાચાલી થતાં મામલો પોલીસ મથક સુધી લંબાયો છે. જેમાં 4 લોકોએ એકને અપમાનજનક શબ્દો બોલી તુ આ ગ્રામ સભામાં કેમ આવ્યો તેમ કહી મારમારવાની કોશીષ કરી હતી. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.
કપડવંજ તાલુકાના વડોલ ગામે રોહિતવાસ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ લવજીભાઈ પરમાર ગતરોજ પોતાના દિકરા પાર્થ સાથે ગામની ગ્રામ સભામાં હાજર હતા. ચૂંટણી બાદ પહેલી વખત મળેલી આ ગ્રામ સભામાં સરપંચ, ઉપસરપંચ સહિત અન્ય સભ્યો પણ હાજર હતા. આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ શરૂ થયેલી આ ગ્રામ સભાની મીટીંગમાં ગામના દિપાભાઈ ભેમાભાઈ વાઘેલા ભાષણ કરવા ઉભા થયેલા થોડું ભાષણ કર્યા બાદ સ્ટેજ પાસે બેઠેલ પ્રવિણભાઈના દિકરા પાર્થને જોઇ જણાવ્યું કે તું આ ગ્રામ સભામાં કેમ આવ્યો છું, તને કોણે બોલાવ્યો છે તેમ કહી અપમાનજનક શબ્દો બોલ્યા હતા. અને સ્ટેજ પાસે મૂકેલ હોકી વડે મારમારવાની કોશીષ કરતાં પ્રવિણભાઈ તથા અન્ય લોકો આવી ગયા હતા.
આ બાદ દિપાભાઈનું ઉપરાણું લઈ આવેલા ગામના જશવંત ભવાનભાઈ વાઘેલા, જેઠાભાઈ અરજનભાઈ વાઘેલા અને હીંમતભાઈ રાવજીભાઈ વાઘેલાએ ગમેતેમ પ્રવિણભાઈ તથા તેમના પુત્રને અપશબ્દો બોલ્યા હતા. અને મારમારવા ધસી આવ્યા હતા. જોકે ગ્રામ સભામાં આવેલ અન્ય સભ્યોએ મામલો થાડે પાડ્યો હતો. આથી આ બનાવ સંદર્ભે પ્રવિણભાઈ પરમારે ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ સામે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.