કચ્છ : 9 માર્ચ
ઐતિહાસિક અંજાર શહેરમાં આવેલા સચ્ચિદાનંદ મંદિરે રસિક નિજાનંદ સંપ્રદાયના સ્થાપનાના 250 વર્ષ તેમજ સદ્ગુરુ સુંદરદાસજી મહારાજની 161મી વાર્ષિક તિથિ નિમિત્તે બે દિવસીય રસિક મિલન આનંદ ઉત્સવનો’ પ્રારંભ થયો હતો. સચ્ચિદાનંદ સંપ્રદાયના’ ગાદિપતિ શ્રી ત્રિકમદાસજી મહારાજે આરંભે જણાવ્યું કે, તમામ ધર્મો અને સંપ્રદાયો પોતાની રીતે શ્રેષ્ઠ જ છે, પરંતુ સારા ધર્મના આચરણથી જીવનમાં પ્રગતિ સાથે સદ્ગતિ પ્રાપ્ત થાય છે.
વિશ્વમાં આવેલી ભયંકર મહામારીનો સામનો કરવામાં ધર્મ પ્રત્યેની નિષ્ઠા-શ્રદ્ધા અને વિશ્વાસ થકી જગત આ કસોટીમાંથી સફળતાપૂર્વક પાર ઊતર્યું તે માટે ઇશ્વરનો આભાર વ્યકત કરી સારાં કાર્યો કરી જીવદયા, ગાયો, નંદિની સેવાનાં કાર્યમાં મદદરૂપ થયા અને જીવનમાં વ્યસનનો ત્યાગ કરવાની ઉપસ્થિત રહેલા રસિક સંપ્રદાયને શીખ ત્રિકમદાસજીએ આપી હતી. યુવાનોને શીખ આપતાં ધર્મગુરુએ જણાવ્યું હતું કે, સારા સમાજના નિર્માણ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં શિક્ષણથી જ સમાજની સાચી પ્રગતિ થાય છે. આજથી પ્રારંભ થયેલા બે દિવસીય વાર્ષિક ઉત્સવ નિમિત્તે સચ્ચિદાનંદ મંદિરે વહેલી સવારથી જ પૂજા-અર્ચના-ભજન-કીર્તન અને રાસોત્સવ યોજાયા હતો. સાંજે મંદિરેથી બે વર્ષના કોરોનાકાળ બાદ વિશાળ સદ્ગુરુ સાહેબની પાલખીયાત્રા શહેરના માધવરાયજીના ચોક, કસ્ટમ ચોક, 12 મીટર રોડ પરથી- ગંગા નાકેથી સુંદર સાહેબની ડેરીએ’ પહોંચી હતી, જ્યાં પૂજા-પાઠ થયા હતા. આ પાલખીયાત્રામાં આ રસિક સંપ્રદાયના અંજાર, રતનાલ, સતાપર, ખેડોઇ, ઝરપરા, પાંચોટિયા તેમજ સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ મુંબઇ, બેંગ્લોરથી’ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રાનું શહેરમાં ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. અલ્પાહાર સહિતની વ્યવસ્થા ગોઠવાઇ હતી.આ પાલખીયાત્રામાં રાસ મંડળીઓ, બેન્ડ પાર્ટી સાથે ગોપીગીતો, ભકિતગીતોથી વાતાવરણ જામ્યું હતું. રાત્રે મંદિરે સત્સંગ, ભજન, આરતી તેમજ હોળી ઉત્સવ નિમિત્તે ગીતો, પદો પૂ. ત્રિકમદાસજી મહારાજ અને ભગવાનદાસજી મહારાજ દ્વારા રજૂ કરાયા હતા.આ બંને દિવસ મહોત્સવના મહાપ્રસાદના દાતા રસિક વાસણભાઇ વિશાભાઇ રણમલભાઇ માતા સતાપરવાળા પરિવાર છે. સામૈયામાં સંપ્રદાયના અગ્રણીઓ ત્રિકમભાઇ વાસણભાઇ આહીર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઇ આહીર (શેઠ), પી.જી.વી.એલ. કોન્ટ્રાક્ટર એસોસિયેશનના પ્રમુખ’ ગોપાલભાઇ માતા, રણછોડભાઇ આહીર, કાનજીભાઇ જીવાભાઇ, વિક્રમસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વાસણભાઇ વિશાભાઇ માતા, શંભુભાઇ આહીર, હરિભાઇ ગઢવી, વેલજીભાઇ ઢીલા, વિજયભાઇ પલણ, રાજુભાઇ તાવડે, હસમુખભાઇ કોડરાણી, શામજીભાઇ આહીર તેમજ આ સંપ્રદાયના પાંચોટિયા, રતનાલ, ઝરપરા, ખેડોઇ, સતાપર, ચોબારી, ભુજપર, કડોલ વિગેરે ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાધે-રાધે, જયશ્રી સચ્ચિદાનંદના જયઘોષથી માહોલ ભક્તિમય બન્યો હતો. – રાજ્યના મુખ્યમંત્રીએ ટેલિફોનિક શુભેચ્છા પાઠવી : રસિક નિજાનંદ સંપ્રદાયની સ્થાપનાને 250 વર્ષ તેમજ આ સંપ્રદાયના સ્થાપક પૂ. સુંદર સાહેબ મહારાજની વાર્ષિક તિથિ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અંજાર વિભાગના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર સાથે ફોનથી આ સંપ્રદાયના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજને શુભેચ્છા પાઠવી હતી. શ્રી ત્રિકમદાસજી મહારાજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સારું બજેટ આપવા તેમજ આ બજેટમાં ગૌમાતા માટે સારી જોગવાઇ કરવા બદલ અભિનંદન પાઠવી અંજારમાં ચાલતી નંદીશાળા તેમજ ગોવર્ધન પર્વતની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું.’