પાટણ : 3 માર્ચ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલયમાં અંદાજે ૩ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અદ્યતન સુવિધા સાથેના 6નવા રીડિંગ હોલનું આજે યુનિવર્સિટીના કુલપતિએ કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે લોકાર્પણ કરી વિદ્યાર્થીઓના વાંચન માટે ખુલ્લા મુક્યા હતા.
રાજય સરકાર દ્વારા પાટણ યુનિવર્સિટીને બાંધકામના રીનોવેશન માટે કરોડો રુપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી હતી. ત્યારે યુનિવર્સિટીના બાંધકામ વિભાગ દ્વારા વહીવટીભવન સામે આવેલા શિવાભાઈ ગ્રંથાલયમાં વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા રૂપિયા 3 કરોડ 26 લાખના ખર્ચે નવા 6 રિડીંગ હોલ તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં એક સાથે 800 જેટલા વિદ્યાર્થીઓ વાંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.તો સાથે સાથે રિડીંગ હોલને સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લિફટની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. યુનિવર્સિટીના લાઇબ્રેરીમાં વાંચન કરવા માટે આવતા વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે સાથે સાથે વાઇ-ફાઇની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.
કુલપતિ જે. જે. વોરા એ જણાવ્યું હતું કે, 3 કરોડના ખર્ચે 6 રિડીંગ હોલ બનાવ્યા છે. જેમાં એક સાથે 800 જેટલા વિધાર્થીઓ રિડીંગ હોલમાં બેસીને સરળતાથી વાંચન કરી શકશે.રિડીંગ હોલના લોકાર્પણ કાર્યક્રમમાં યુનિ.ના રજીસ્ટાર ડી એમ પટેલ, ઇસી સભ્ય શૈલેષભાઇ પટેલ ,હરેશભાઈ ચૌધરી એસ એ ભટ્ટ,શારીરિક શિક્ષણ નિયામક ચિરાગ ભાઈ પટેલ, નાયબ રજીસ્ટાર આનંદ ભાઈ પટેલ ,કનકબાળાજાની એન્જીનિયર વિપુલભાઈ સાંડેસરાએ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.