આણંદ
આણંદના સંદેશર ગામમાં સાઢુના ઘરે આવેલા દંપતી પર ચાર શખસે ધારિયાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ દંપતિએ અગાઉ જમીનના ભાગલા સમયે તેમના સાઢુની તરફદારી કરી હોવાથી કુટુંબીજનોએ હુમલો કર્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ચાર શખસ સામે ગુનો નોંધ્યો હતો.
અમદાવાદના મણીનગરમાં રહેતા રાકેશભાઈ હસમુખભાઈ રાણા તેમના પરિવાર સાથે 25મી એપ્રિલના રોજ સંદેશર ગામે તેમના સાળી ભારતીબહેનના ઘરે આવ્યાં હતાં. આ સમયે જમી પરવારી રાકેશભાઈ ફળીયામાં બેઠાં હતાં. તે સમયે તેમના સાળી ભારતીબહેનનો ભત્રીજો યોગેશ બચુ પરમાર, મનીષ ફતેસિંહ પરમાર, હિતેષ ફતેસિંહ પરમાર, દિયર બાબુ શના પરમાર ધારિયા લઇ ધસી આવ્યાં હતાં અને રાકેશ પર હુમલો કર્યો હતો. તેઓ કહેતા કે, અગાઉ તો તુ જમીનનો ભાગ અપાવવા માટે આવ્યો હતો. પરંતુ આજે તો તને છોડીશું નહીં. તેમ કહી ધારિયાના ઘા માથા પર ઝીંક્યાં હતાં. જેના કારણે રાકેશભાઈ લોહી લુહાણ હાલતમાં ત્યાંજ ફસડાઇ પડ્યાં હતાં. આથી, તેમના પત્ની તેજલબહેન વચ્ચે પડતાં તેમને પણ મારમારવા લાગ્યાં હતાં. ગયા વર્ષે તમે બચી ગયા છો. પરંતુ આ વખતે મારી નાંખીશું. તેવી ધમકી આપતાં હતાં. જોકે, આ હુમલામાં ભારતીબહેન આવી જતાં ચારેય જણાએ જતાં રહ્યા હતા અને મારી નાંખવાની ધમકી આપતા ગયાં હતાં. બાદમાં રાકેશભાઇને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે તેજલબહેન રાણાએ ફરિયાદ આપતા પોલીસે યોગેશ બચુ પરમાર, મનીષ ફતેસિંહ પરમાર, હિતેષ ફતેસિંહ પરમાર, બાબુ શના પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.