સુરેન્દ્રનગર : 18 માર્ચ
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં મેળાનું મેદાન આવેલું છે. ત્યાં ઘણા વર્ષોથી દર રવિવારે ગુજરી બજાર ભરાય છે.ત્યા વિચરતી અને વિમુક્ત જાતિઓના દેવીપુજક, સરાણીયા, બાવરી વગેરે પરિવારો નાના મોટા વ્યવસાય માટે પાથરણા પાથરીને બેસતા હોય છે. જેમાં જુના કપડા, વાસણો, ઇલેક્ટ્રિક, ભંગાર વગેરનો વ્યવસાય આ પરિવારો કરતા હોય છે. આવા પરિવારો દર અઠવાડિયામાં ફક્ત રવિવારે વ્યવસાય કરીને આખા અઠવાડિયાનું કમાઈ લેતા હોય છે. થોડા સમય પહેલા સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાએ સર્વાનુમતે ઠરાવ કરીને મેળાના મેદાનમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત થતા ત્યાં બેસતા આ નાના અને ગરીબ પરિવારોની કે જેઓ આ જગ્યા પર રોજીરોટી કમાઈ શકે છે તે છીનવાઈ જશે.
આ પરિવારોને યોગ્ય કાયમી વ્યવસ્થા કરી આપવામાં આવે. જેથી તેઓ ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કરી શકે. અને આજીવિકા ચલાવી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવીને માનભેર જીવી શકે. નાના માણસો માટે આ નાનો વ્યવસાય ખુબ મોટી વાત હોય છે. વળી તેઓને સદંતર બીજા વ્યવસાય તરફ વાળવા પણ ખુબ જ અઘરું હોય છે. નગરપાલિકા દ્વારા જે સ્ટોલો બનાવવાની વાત કરે છે. ત્યાં પણ આ વિચરતી અને વિમુક્ત જાતિઓના પરિવારોને સ્ટોલો આપવામાં આવે તેવી આ પરિવારોની રજૂઆત છે. વિચરતી અને વિમુક્ત જાતિઓના પરિવારો સદીઓથી કામ ધંધા માટે વિચરણ કરતા હતા.
થોડા વર્ષોથી તેઓ હવે એક જગ્યાપર સ્થાઈ થયા છે. અને તેઓ કમાણી કરતા થયા છે. અને બાળકોને ભણાવતા પણ થયા છે. જો તેનો ધંધો છીનવાઈ જશે તો વળી પાછા તેઓ અસ્થાઈ થઈ જશે ! આ પરિવારો ફરી પાછા વિસ્થાપિત ના થાય તે જોવા માટે આ પરિવારોને રોજગારી માટે કાયમી અને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તે અંગે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.