Home પાટણ બ્રાહ્મણવાડા ગામ માં મહિલાઓની આસ્થા ની દોડ…

બ્રાહ્મણવાડા ગામ માં મહિલાઓની આસ્થા ની દોડ…

156
0
પાટણ : 17 માર્ચ

ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે અનોખી પરંપરા ચાલે છે. અહીંયા જે માતાને પહેલા ખોળે પુત્રનો જન્મ થાય છે, તે માતાને પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હોળીના દિવસે દોડ લગાવવી પડે છે. આ દોડ સ્પર્ધા 700 વર્ષથી યોજવામાં આવે છે. જેમાં માતા પુત્રની સુખાકારી માટે એડીચોટીનું જોર લગાવે છે.

જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં 700 વર્ષથી પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની અનોખી પરંપરા છે. આ પરંપરા મુજબ ગામમાં જે માતાને પહેલા ખોળે પુત્રનો જન્મ થાય છે, તે માતાને પુત્રના સારા સ્વાસ્થ્ય માટે 2 કિલોમીટર લાંબી દોડ લગાવવી પડે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામમાં પહેલા પુત્રની દરેક માતા અચૂક જોડાય છે. કારણ કે, અહીં પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્યનો સવાલ છે. જેથી માતા તેના પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે 2 કિલોમીટર સુધી ખુલ્લા પગે દોડે છે.

ગામમાં પહેલા પુત્રની માતા આ પ્રતિયોગિતામાં ચોક્કસથી ભાગ લે છે અને તેવું ઈચ્છે છે કે તેનો પ્રથમ નંબર આવે. જેથી તેના દિકરાનું સ્વાસ્થ્ય સારૂં અને મજબૂત બને. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જેમાં પહેલા પુત્રની માતા હાથમાં નારીયેળ અને ત્રિશૂલ લઇ ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિર પરિસરથી 2 કિલોમીટર સુધી દોડે છે અને વેરાઈ માતાના મંદિરે દોડ પૂર્ણ કરે છે. માદરે વતનથી દૂર અને વિદેશમાં રહેતા બ્રાહ્મણવાડા ગામ ના પરિવારજનો આ દિવસે અચૂક ગામમાં આવે છે અને સદીઓ ની આ પરંપરાને નિભાવે છે.

દેશ અને દુનિયામાં અનેક મેરેથોન દોડ યોજાતી હોય છે. જેમાં દોડવીર મેડલ મેળવવાની અપેક્ષા રાખી એડીચોટીનું જોર લગાવે છે, પરંતુ બ્રાહ્મણવાડા ગામમાં યોજાતી દોડ એક માતા તેના પુત્રના આયુષ્ય અને તંદુરસ્તી માટે દોડે છે અને એટલે જ આ દોડને ‘માં’ની મેરેથોન દોડ કહીએ તો પણ નવાઈ નહીં.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here