વેરાવળ : 4 ફેબ્રુઆરી
સને.2019 માં આરોપી યુવક સગીરા હોવાનું જાણતો હોવા છતાં અપહરણ કરી લઇ જઇ મરજી વિરૂઘ્ઘ સગીરા પર અવાર નવાર દુષ્કર્મ આચરેલ
કોર્ટે પીડીતાને સરકારી યોજના મુજબ સહાય ચુકવવા પણ હુકમ કરેલ
ત્રણ વર્ષ પહેલા વેરાવળમાંથી એક યુવક જાણતો હોવા છતાં સગીરાને લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો બનાવ બનેલ હતો. આ ગુનાનો કેસ વેરાવળની સ્પે.(પોકસો) કોર્ટમાં ચાલી જતા આરોપી યુવકને કોર્ટે 14 વર્ષની સખ્ત કેદની સજા તથા દંડ ફટકારી પીડીત સગીરાને સરકારી યોજના મુજબ રૂ.4.62 લાખની સહાય ચુકવવાનો હુકમ કરેલ છે.
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળની હુડકો સોસાયટીમાં રહેતો યોગેશ ઉર્ફે યોગી કરશનભાઇ ઉર્ફે કિશનભાઇ ચાંડપા (ઉ.વ.22) ત્રણ વર્ષ પહેલા ગત તા.2/3/2019 ના રોજ એક સગીર યુવતી હોવાનું જાણતો હોવા છતાં લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જઇ અવાર નવાર સગીરાની મરજી વિરૂધ્ધ બળાત્કાર કરેલ હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ સોમનાથ મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવતા આઇ.પી.સી. કલમ 363, 366, 376 તેમજ બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ-2012 ની કલમ 3(એ), 4, 5 (એલ), 6 અને 18 મુજબ ગુનો નોંધી તપાસ કરી હતી. બાદમાં તપાસનીશ અધિકારી બી.એન.ખાંભલાએ અત્રેની સ્પે. (પોકસો) કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતી.
જેમાં સરકારી વકીલ કે.પી.પંડયા અને બકુલાબેન પી. ડાભીએ અંદાજે 17 જેટલા સાહેદોની મુખજુબાનીઓ લીધેલ તેમજ પંચ, ડોકટર, પોલીસની જુબાનીઓ દરમ્યાન દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા. સરકારી વકીલ કે.પી.પંડયાએ સમાજમાં દિકરીઓ સલામત રહે તે માટે સરકારે સ્પે.પોકસો એકટની જોગવાઇ કરેલી છે. સગીરાએ જે જુબાની આપેલી છે તે જ માત્ર પુરતી હોય તેમ છતાં મેડીકલ પુરાવા રજુ કરેલ અને સગીરાની ઇચ્છા વિરૂધ્ધ બળાત્કાર કરી સામાજીક મર્ડર કરતાં આ કૃત્યને કોઇ પણ રીતે હળવાશથી લઇ શકાય નહી અને સમાજમાં સગીર વયની દિકરીઓ સલામત રહે તે માટે આરોપીને સખ્ત સજા કરવાની દલીલો સાથે વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરેલ હતા.
જેને ધ્યાને લઇ સ્પે. (પોકસો) જજ બી.એલ.ચોઇથાણી સાહેબએ આરોપી યોગેશ ઉર્ફે યોગી કરશનભાઇ ઉર્ફે કિશનભાઇ ચાંડપાને તક્ષસીરવાન ઠેરવી કલમ 363 મુજબ પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.૩ હજારનો દંડ અને દંડ ન ભરે તો વઘુ 3 માસની સાદી કેદની સજા, કલમ 366 મુજબ સાત વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વઘુ 3 માસની સાદી કેદની સજા તથા બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ-2012 ની કલમ 3 (એ), 4, 5 (એલ), 6 મુજબ 14 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ કરેલ અને જો દંડ ન ભરે તો વધુ 3 વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો ચુકાદો આપી આ સમગ્ર સજા એક સાથે ભોગવવા હુકમ કરેલ છે. આ ઉપરાંત સરકારની યોજના મુજબ ભોગ બનનારને પીડીત સગીરાને રૂ.4,62,500 ની સહાય ચુકવા હુકમ કરેલ હોવાનું સરકારી વકીલએ એક યાદીમાં જણાવેલ છે.