ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સોમવારે પાટણ ઘી બજારમાં ઓચિંતી રેડ કરી બે દુકાનોમાંથી શ્રીમૂલ પ્યોર અને ભારત હોન્સ ગાયનું ઘી રૂપિયા 6,92,066 ની કિંમતનુ1992 કિલોગ્રામનો જથ્થો સીઝ કર્યો હતો. રેડને પગલે ઘી બજારમાં ભારે ફફડાટ ફેલાયો હતો.તો કેટલાક વેપારીઓ તપાસ થી બચવા પોતાની દુકાનો બંધ કરી ભૂગર્ભમાં જતા રહ્યા હતા.
પાટણનું એક સમયનું પ્રસિદ્ધ ઘી બજાર હાલમાં ભેળસેળયુક્ત નકલી ઘી ના વેચાણ માટે પંકાતું જાય છે. સોમવારે જિલ્લા ફૂડ ઓફિસર વિપુલ ચૌધરી સહિતની ટીમે ત્રણ દરવાજા ખાતે આવેલ ઘી બજાર માં રેડ કરી તપાસ હાથ ધરી હતી.જેમાં મેં. ઈશ્વરલાલ રસિકલાલ ઘીવાળા ની દુકાન માંથી રૂપિયા 5,70,570 ની કિંમતના 199 ડબ્બા તથા અલ્પેશકુમાર વિનોદચંદ્ર મોદીની દુકાનની તપાસ કરતાં તેમની દુકાનમાંથી રૂ 1,20,496ની કિંમતના શ્રીમુલ પ્યોર અને ભારત હોન્સ ગાયના ઘી નો જથ્થો શંકાસ્પદ જણાતા ડબ્બા સીઝ કર્યા હતા. કુલ રૂપિયા 6,92,066ની કિંમતના 1992 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી તેમાંથી જરૂરી નમૂના લઇ પૃથક્કરણ અર્થે સરકારી લેબમાં મોકલી આપ્યા હતા.
શહેરીજનોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા ઘી બજારના વેપારીઓ સામે જિલ્લા કલેકટર લાલ આંખ કરી ભેળસેળયુક્ત ઘી અને તેલના ગોરખ ધંધા ને કાયમી ધોરણે બંધ કરાવે તેમ શહેરીજનો ઇચ્છી રહ્યા છે.