વેરાવળ : 25 માર્ચ
શહેરના યુવાનો દ્વારા શહીદ દીન નિમિત્તે તિરંગા યાત્રાનું અનેરું આયોજન કર્યુ
મોટી સંખ્યામાં સેંકડો રાષ્ટ્રપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ તથા લોકો રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા જોડાયા
શહેરના રાજમાર્ગે પર યાત્રા પસાર થયેલ ત્યારે દેશભક્તિનો માહોલ છવાયો
શહીદ દિવસને લઈ વેરાવળના રાજમાર્ગો પર 75 મીટરની”ભવ્ય તિરંગા યાત્રા” દેશભક્તિ સભર માહોલમાં નીકળી હતી. શહેરના યુવાનો દ્વારા શહીદ દિવસને લઈ અનેરું આયોજન કરાયેલ જેને શહેરીજનોએ આવકારી હતી. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા સ્વયંભુ જોડાયા હતા.
23 માર્ચ એટલે શહીદ દિવસ અને આ દિવસે સમગ્ર દેશ માટે બલીદાન આપનારા શહીદોના બલિદાનને યાદ કરી દેશભરમાં શ્રધ્ધાસુમન અર્પણ કરાય છે. જે અંતર્ગત જ ગીર સોમનાથના જિલ્લા મથક વેરાવળમાં યુવાનો દ્વારા શહીદ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે શહેરની સામાજીક સંસ્થાના નેજા હેઠળ શહેરના યુવાનો દ્વારા 75 મીટર લાંબા ત્રિરંગાની ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. આ ત્રિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર પસાર થઈ ત્યારે રાષ્ટ્રભક્તિનું અનેરું વાતાવરણ ખડું થયું હતું.
તિરંગા યાત્રાના આયોજક યુવક નીરવ શાહના જણાવ્યા મુજબ સાંપ્રત સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે શહીદોની શોર્યતા પ્રબળ બને તેવા ઉદેશ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ યાત્રામાં મોટીસંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા પોતાની રાષ્ટ્રપ્રત્યેની લાગણી વ્યક્ત કરવા સ્વયંભુ ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રા શહેરના જુદા જુદા રાજમાર્ગે પર બે કલાકથી વધુ સમય સુધી ફરી હતી ત્યારે રસ્તામાં ઠેર ઠેર યાત્રાનું માનભેર લોકોએ સ્વયંભુ આવકારી સ્વાગત પણ કર્યુ હતુ.