Home સુરેન્દ્રનગર વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કોરોના રસીકરણની કામગીરી કરનાર સમગ્ર દેશની ૭૪ મહિલા...

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કોરોના રસીકરણની કામગીરી કરનાર સમગ્ર દેશની ૭૪ મહિલા આરોગ્ય કર્મીઓને સન્માનિત કરાશે.  

145
0
સુરેન્દ્રનગર : 7 માર્ચ

રસીકરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર સમગ્ર દેશની ૭૪ મહિલા આરોગ્ય કર્મીઓમાં ગુજરાતની ૨ જેમાં ઝાલાવાડની મનીષાબેન વાઘેલાને સન્માનિત કરાશે.

ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મનીષાબેન વાઘેલાએ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત ૧ લાખ ૧૦ હજારથી વધુ લોકોને રસી આપવાની કામગીરી કરી

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ૮મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે વિશિષ્ટ કામ કરનાર મહિલાઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. સમાજમાં મહિલાઓનું સ્થાન અદકેરું છે. આપણે જાણીએ છીએ તેમ રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની આગવી ભૂમિકા રહી છે ત્યારે આ વખતે વિશ્વ મહિલા દિવસે જાણીએ ઝાલાવાડની એવી મહિલા કે જેણે કોરોના વેક્સિનેશનમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરીને ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે. આ મહિલા છે ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મનિષાબેન વાઘેલા.
ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટર ફિમેલ હેલ્થ વર્કર મનિષાબેન વાઘેલાએ સમગ્ર દેશમાં રસીકરણ મહાઅભિયાન અંતર્ગત સૌથી વધુ રસીકરણની કામગીરી કરનાર ૭૪ મહિલા આરોગ્ય કર્મીમાં સ્થાન મેળવ્યુ છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા દિલ્હી ખાતે આ ૭૪ મહિલા કર્મીઓનું સન્માન કરવામાં આવશે.
દિલ્હી ખાતે સન્માનિત થનારા આ ૭૪ મહિલા આરોગ્ય કર્મીમાં ગુજરાતની બે મહિલા આરોગ્ય કર્મી કે જેમણે રાજ્યમાં રસીકરણ અંતર્ગત સૌથી વધુ રસી આપવાની કામગીરી કરી છે. તેમાં અમદાવાદ ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા વિજેતા પરમારે ૧,૨૧,૩૯૨ લોકોને રસી આપવાની કામગીરી કરી છે, જ્યારે ઝાલાવાડના ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મનિષાબેન વાઘેલાએ ૧,૧૦,૬૮૫ લોકોને રસી આપવાની કામગીરી કરી છે.
આ અંગે વાત કરતા મનિષાબેન જણાવે છે કે, શરૂઆતના સમયમાં લોકોને રસી વિશે પૂરતી સમજણ ન હોવાના કારણે અમારે ઘણું બધું સહન કરવું પડ્યું હતું પરંતુ અમે લોકોને રસીની કોઈ આડઅસર નથી અને આ રસીથી ઘણો ફાયદો થશે તેમ સમજાવી લોકોને રસી આપી હતી.
વધુમાં તેમણે કહ્યું કે, શરૂઆતના સમયમાં અમે અર્બન હેલ્થ સેન્ટરમાં રહીને રસીકરણની કામગીરી કરતા હતા પરંતુ ત્યારબાદ લોકોના ઘરે ઘરે જઈને તેમને રસીના ફાયદા સમજાવીને રસી આપવાની કામગીરી કરી હતી.
વર્ષ ૨૦૨૦માં આવેલી કોરોના મહામારીએ સમગ્ર માનવજાતની જીવનશૈલીને ધરમૂળથી બદલી નાખી હતી. આ મહામારીને અંકુશમાં લેવાની એકમાત્ર આશા એટલે કોરોના વેક્સિન. આ કોરોના વેક્સિનની શરૂઆત સમગ્ર દેશમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી કરવામાં આવી હતી. કોરોના સામે લડવા માટે વેક્સિન અમોંઘ શસ્ત્ર સાબિત થયું છે. કોરોના સામે રાજ્યના દરેક નાગરિકને સુરક્ષિત બનાવવા ગુજરાત સરકાર દેશમાં અગ્રેસર રહી વેક્સિનેશન અભિયાન ચલાવી રહી છે. આ અભિયાનમાં ઝાલાવાડના ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટર ફિમેલ હેલ્થ વર્કર મનિષાબેન વાઘેલાએ રસીકરણની શ્રેષ્ઠ  કામગીરી કરી “ હારશે કોરોના જીતશે ગુજરાત” ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.

અહેવાલ : સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here