સુરેન્દ્રનગર : 30 માર્ચ
લીંબડી હાઈવે સર્કલ પાસે આવેલા પોતાના ગેરેજમાં સ્કૂટર લઈ જતાં યુવાન પર ચાલકે ડમ્પર ચડાવી દીધું હતું. સ્કૂટર ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માતના કારણે ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્પરને આગ ચાંપી દીધી હતી.
લીંબડીના મફતીયાપરામાં રહેતા દિલીપભાઈ ઈશ્વરભાઈ પરમાર તેમના મિત્ર પ્રવિણભાઈ કેશવભાઈ રાઠોડને સ્કૂટર પર બેસાડી હાઈવે સર્કલ પાસે આવેલા પોતાના ગેરેજમાં લઈ જતાં હતા. બન્ને મિત્રો ગેરેજથી માંડ 50 ફુટ દૂર હતા ત્યાં તો માતેલા સાંઢની જેમ આવતા ડમ્પર ચાલકે તેમના સ્કૂટરને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ડમ્પરના ટાયર નીચે સ્કૂટર આવી જતાં દિલીપભાઈ ચગદાઈ ગયા હતા. ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સ્કૂટર પાછળ બેઠેલા પ્રવીણભાઈ રાઠોડ રોડ ઉપર ફંગોળાઈ જતાં તેમને ઈજા પહોંચી હતી. ચાલક અકસ્માત સર્જીને ડમ્પર મુકી ભાગી ગયો હતો. અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત થતાં ત્યાં હાજર જનતાનો ગુસ્સો બેકાબૂ બની ગયો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્પરને આગ ચાંપી દીધી હતી. ઘાયલને સારવાર અર્થે અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પીએસઆઈ વી.એન.ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધી અકસ્માત સર્જીને ભાગી છૂટેલા ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી દીધી હતી.