સુરેન્દ્રનગર : 3 માર્ચ
લીંબડી સ્ટેટના પેલેસમાં બારીની લોખંડની જાળી તીક્ષ્ણ હથિયાર વડે કાપીને પ્રથમ અને બીજા માળે દસેક જેટલા સ્ટોર રૂમના તાળાં તોડી પતરાની 4 પેટીમાંથી 56 કિલો 150 ગ્રામ ચાંદીની 45 વસ્તુઓ, 2 રેડિયો, હાર્મોનિયમ અને બેન્જો જેવી એન્ટિક વસ્તુની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. પેલેસમાં થયેલી ચોરીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધો હતો. પોલીસે પણ ઘટનાની ગંભીરતા સમજી ડોગસ્કોર્ડની મદદથી ચોર ટોળકીનું પગેરૂ શોધવા કવાયત હાથ ધરી દીધી હતી. તપાસને 24 કલાકથી વધુ સમય થવા છતાં પોલીસને કોઈ સફળતા મળી નથી.
રાજ મહેલમાં થયેલી 56 કિલો ચાંદી અને એન્ટિક વસ્તુઓની ચોરી અંગે તા.2 માર્ચે એફએસએલની ટીમ લીંબડી આવી પહોંચી હતી. ચોરીની ઘટના બની તે સ્ટોર રૂમ સહિતની જગ્યાએથી ફિંગર પ્રિન્ટ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. રાજ મહેલમાં થયેલી ચોરી અંગે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે તે જણાવ્યું હતું કે DYSP સી.પી.મુંધવા પેલેસમાં થયેલી ચોરીને અમે ગંભીરતાથી લીધી છે. તસ્કરોને ઝડપી પાડવા એલસીબી, એસઓજી, ડીવાયએસપી સ્કવોર્ડ અને સ્થાનિક પોલીસ એમ ચાર ટીમો બનાવી અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી દીધી છે. શકમંદોની એક્ટીવિટી પર અમારું પુરતું ધ્યાન છે. રાજ મહેલની ચોરીનો ભેદ ટૂંક સમયમાં ઉકેલાય જાય તેવો આશાવાદ છે.