પાટણ : 8 મે
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓના લાંબા સમયથી પડતર ગ્રેડ -પે સહિતના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે અનેક રજૂઆતો અને સરકાર સાથે સમાધાન બાદ પણ કોઈ નિર્ણય કે નિરાકરણ નહીં આવતાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ના નેજા હેઠળ સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ફરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને તે અંતર્ગત આજે કર્મચારીઓની વિવિધ માગણીઓના સંદર્ભમાં ઉત્તર ગુજરાત વિસ્તારના 11 જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની મહારેલી પાટણમાં યોજાઇ હતી.
પાટણ શહેરના ખાડિયા મેદાનમાંથી પ્રસ્થાન પામેલી આ મહારેલીમાં આરોગ્ય વિભાગના આશરે ૨૦૦૦ ઉપરાંત કર્મચારી ભાઈ-બહેનો વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા.
આ રેલી શહેરના ગાંધીબાગ થઈ બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન રોડ, કોલેજ રોડ થઈ કલેકટર કચેરી પાસે આવેલ સિંધવાઇ માતા મંદિર સંકુલમાં સભાના રૂપમાં સંપન્ન થઈ હતી.
આરોગ્ય કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માગણી અને પડતર પ્રશ્નોમાં ગ્રેડ પે સુધારણા, પગાર પંચના પગાર ધોરણ સુધારવામાં આવે, આરોગ્ય કર્મચારીના આઠ કિલોમીટર નીચેની ફેરણીનું ક્ષેત્રીય ભથ્થું આપવામાં આવે, આરોગ્ય કર્મચારીઓએ જાહેર રજા તથા રવિવારના દિવસે બજાવેલ ફરજનો પગાર અથવા કોરોના વોરિયર્સ તરીકેનું ભથ્થું આપવામાં આવે તે મુખ્ય માગણીઓનો સમાવેશ થાય છે.
કર્મચારીઓની રેલી બગવાડા દરવાજા ખાતે આવી પહોંચતા અહીં આવેલ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને, સિધ્ધરાજ જયસિંહની પ્રતિમાને તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને કર્મચારીઓ રેલી સ્વરૂપે આગળ વધ્યા હતા.