સુરેન્દ્રનગર : 3 ઓગસ્ટ
કથિત ઓડિયો ક્લિપ ગ્રુપમાં મૂકી આરોપ લગાવનાર સામે સરપંચે ફરિયાદ નોંધાવી
ચુડા તાલુકાના ઝોબાળા ગામે દારૂ-જુગારને બંધ કરાવવા માટે પોલીસ મથકે રજૂઆત કરનાર સરપંચ જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાવતો હોવાનો આક્ષેપ કરતી ઓડિયો ક્લિપ ઝોબાળા ગ્રુપમાં મુકવામાં આવી હતી. કથિત ઓડિયો ક્લિપ મોકલનાર શખસ સામે સરપંચે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ચુડા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને ઝોબાળા ગામના સરપંચ અલ્પેશ શેખે તા.27 જુલાઈએ પીએસઆઈને પત્ર લખીને જણાવ્યું હતું કે ગામમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ બેફામ ચાલુ છે. જેના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. તાત્કાલિક પગલાં ભરી ઝોબાળામાં દારૂ-જુગારની બદી દૂર કરવા રજૂઆત કરી હતી. દારૂ-જુગાર બંધ કરાવવાની રજૂઆતને લઈને ઝોબાળા ગામનો હાલ કચ્છમાં રહેતો કિરીટ નાથા લીંબડીયાએ સરપંચ અલ્પેશ શેખને ફોન કર્યો. કિરીટે ફોનમાં કહ્યું હતું કે દારૂ બંધ કરાવવાની રજૂઆત કરવા તને કોને ડોઢો કર્યો હતો. એમ કહીં સરપંચને ગાળો ફાંડી હતી. સરપંચે ફોન કાપી નાંખ્યો તો કિરીટે ઝોબાળા ગ્રુપ નામના વોટ્સઅપ ગ્રુપમાં ઓડિયો ક્લિપ મોકલી હતી. કથિત ઓડિયો ક્લિપમાં કિરીટ સરપંચ સામે આક્ષેપ કરતા કહી રહ્યો હતો કે સરપંચ જ દારૂ વેચાવે છે. તે જ આ બધું કરાવે છે. હપ્તા ખાય અને ખવડાવે છે. મને મારી નાંખવાની ધમકી આપે છે. કથિત ઓડિયો ક્લિપ મોકલનાર કિરીટ નાથા લીંબડીયા સામે સરપંચે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.