Home સુરેન્દ્રનગર નટવરગઢ ગામે ગટરના કામને લઈ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો વચ્ચે વિવાદ

નટવરગઢ ગામે ગટરના કામને લઈ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો વચ્ચે વિવાદ

171
0

સુરેન્દ્રનગર : 3 ઓગસ્ટ


નટવરગઢ ગામે ગટરના કામને લઈ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો વચ્ચે વિવાદ
મામલો ઉગ્ર થતા પોલીસ દોડી આવી, હાલ કામ બંધ રખાયું, ગ્રામજનોને હાલાકી
લીંબડી તાલુકાના નટવરગઢ ગામે ચાલતા ગટરના કામને લઈને ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો વચ્ચે વિવાદ ઊભો થયો હતો. વિવાદ વકરતા પોલીસ ટીમ નટવરગઢ ગામે દોડી આવી હતી. હાલ શેરીમાં ખાડા ખોદેલું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

લીંબડી તાલુકાના નટવરગઢ ગામે ચાલતા ગટરના કામને લઈ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો વચ્ચે વિવાદ ઊભો થયો છે. આ અંગે નટવરગઢ ગ્રામ પંચાયતના સમાજિક ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન વાઢેરે ટીડીઓને રજૂઆત કરી જણાવ્યું હતું કે જે શેરીએ ગટર હતી તે તોડીને એની જગ્યાએ નવી ગટર બનાવવામાં આવી રહી છે. પૈસાનો બગાડ થઈ રહ્યો છે. અમે કામ અંગેનું એસ્ટિમેંટ અને વર્ક ઓર્ડર માંગ્યો તો સરપંચે આપ્યો નથી. જે શેરીમાં ગટરનું કામ કરવા ઠરાવ કર્યો એ જગ્યાએ કામ થતું નથી. સરપંચ અને તેમના મળતિયા મનમાની કરી રહ્યા છે. ગ્રામ પંચાયતના સભ્ય વનિતાબેનના પતિ વિનુભાઈ મેણિયાએ જણાવ્યું હતું કે નટવરગઢના સરપંચની સાથે તા.પંચાયત કચેરીના અધિકારીઓ ભળી ગયા હોય તેવું લાગે છે. તા.18 જુને નટવરગઢ ગામે શૌચાલયના કામમાં ગેરરીતિ થયા અંગેની ફરિયાદ કરી હતી.

આજ દિવસ સુધી તેની તપાસ કરવામાં આવી નથી કે અમને કોઈ જવાબ પણ આપ્યો નથી. નટવરગઢ ગામના સરપંચ કરમશીભાઈ કાલિયાએ જણાવ્યું હતું કે જે શેરીમાં ગટરનું કામ મંજૂર થયું છે ત્યાં અમે ગટર બનાવી રહ્યા છીએ. ગટર તોડવાની વાત છે તો ત્યાં સિમેન્ટના ભૂંગળા નાખી ગટર બનાવવામાં આવી હતી પરંતુ તેમાંથી ગટરનું પાણી નીકળતું નહોતું એટલે હવે પીવીસીની લાઈન નાખી ગટર બનાવી રહ્યા છીએ. જે લોકો વિરોધ કરે છે તેમને અમારા દરેક કામમાં વિરોધ કર્યો છે. સરપંચ અને સભ્યો વચ્ચે વિવાદ વકરતા નટવરગઢ ગામે પોલીસ દોડી આવી હતી. હાલ ગટરનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. ખોદેલી શેરીમાં ગટરનું કામ બંધ રહેતા આજુબાજુના રહીશો અને ગ્રામજનોને હાલાકી વેઠવી પડી રહી છે.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here