પાટણ: 26 એપ્રિલ
જિલ્લા મથક પાટણ ખાતે આગામી ૧ લી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સંદર્ભે પાટણ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર પોલીસ બેન્ડ સુરાવલીઓ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ શહેરમાં ત્રણ દિવસ ચાલશે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ પ્રથમવાર પોલીસ બેન્ડની કર્ણ પ્રિય સુરાવલીઓ સાંભળી મંત્ર મુગ્ધ બન્યા હતા .
1 લી મે ના રોજ ગુજરાતના ૬૨ માં સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પાટણ ખાતે થનાર હોઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરવામાં આવી છે . આ કાર્યક્રમમાં રાજ્યપાલ , મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોને ગાર્ડ ઓફ ઓનર આપવાની સાથે પોલીસના વિવિધ પ્લાટુનો દ્વારા સલામી સહિતની પરેડ નો ભવ્ય કાર્યક્રમ યોજાશે તો સ્થાપના દિવસની ઉજવણી ને વધુ જાજરમાન બનાવવા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળો જેવા કે ઐતિહાસિક રાણીની વાવ પરિસર , આનંદ સરોવર , બગવાડા દરવાજા અને જુના ગંજ ખાતે તા . ર ૬ ૨૭ અને ૨૮ ના રોજ પોલીસ બેન્ડ સુરાવલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે . પ્રથમ દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ બેન્ડ દ્વારા સુરતાલના સંગમ સાથે દેશભક્તિ ગીતો ભક્તિ ગીતો અને ફિલ્મી ગીતોની ની મધુર સુરાવલીઓ વહેતી કરી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોવા ઉમટ્યા હતા.