આણંદ: 9 જાન્યુઆરી
આણંદ શહેર અને આંકલાવ પોલીસે અલગ અલગ સ્થળે દરોડા પાડી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી વેચતા ચાર વેપારીને પકડી પાડ્યાં હતાં અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ એલસીબીના કોન્સ્ટેબલ બહાદુર નવઘણભાઈએ બાતમી આધારે સાંગોળપુરા ખાતે દરોડો પાડ્યો હતો. જ્યાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સાથે વેપારીને પકડાયાં હતાં. તેમની પુછપરછ કરતાં તે મેહુલ ઉર્ફે ચીનો મનુ દેસાઇ ગોહેલ હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી 20 ફિરકી કિંમત રૂ.છ હજાર મળી આવી હતી. આ અંગે પુછપરછ કરતાં તેને આ ફિરકી વિશાલ રાજેશ પઢીયાર (રહે. આસોદર)એ વેચવા આપી હોવાનું કબુલ્યું હતું. આ અંગે એલસીબીએ શહેર પોલીસ મથકે મેહુલ ઉર્ફે ચીનો ગોહેલ અને વિશાલ રાજેશ પઢીયાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત આંકલાવ પોલીસે પણ બે સ્થળેથી ચાઇનીઝ દોરી સાથે બે શખસને પકડી પાડ્યાં હતાં. અંબાવ સીમમાં રહેતા પ્રકાશ ભગવાન પઢિયારને નહેર નજીકથી 30 ફિરકી કિંમત રૂ.4500 સાથે પકડી પાડ્યો હતો. તે આ ફિરકી કોથળામાં ભરી વેચવા જઇ રહ્યો હતો. જ્યારે આસોદરના જુના બસ સ્ટેન્ડ પાસે નિમેશ મહેન્દ્રસિંહ પઢિયારને 270 ફિરકી કિંમત રૂ.31,500 સાથે પકડી પાડ્યો હતો. આ અંગે બન્ને શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.