સુરેન્દ્રનગર : 26 એપ્રિલ
ચોટીલા શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તાલુકાની પાણી સમસ્યા અને મોંધવારીના મુદ્દે રેલી રૂપે પદયાત્રા કાઢી આગવી સ્ટાઇલથી અનોખો વિરોધ વ્યક્ત કરતા કુતહુલતા વ્યાપી જવા પામી હતી. ચોટીલા આણંદપુર રોડ, ટાવર ચોક, ખાંડી પ્લોટ, થાન રોડથી મામલતદાર કચેરી સુધી શહેર તાલુકાના આપના હોદ્દેદારો કાર્યકરો હાથમાં તેલનો ખાલી ડબ્બો, ગળામા શાકભાજી, લીંબુ તેમજ પાણીની બોટલોનો હારડો લગાવી ભાજપ સરકાર વિરોધી બેનરો સાથે જાહેર રોડ ઉપર ફરતા લોકોમાં નવતર વિરોધથી કુતહુલ ફેલાયું હતુ.
ચોટીલા મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, આઝાદી બાદ પણ ચોટીલા તાલુકાને પ્રાથમિક સુવિધાથી વંચીત રાખવામાં આવ્યું છે. લોકોને પીવાનું શુદ્ધ પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી, પ્રાથમિક સારવારની પુરતી સુવિધા નથી, મોંઘવારીએ માઝા મુકી છે. લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. મોંઘવારીમાં લોકોને રાહાત આપવા અને પ્રાથમિક સુવિધાઓ અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે. તેમજ પીવાના પાણીની સમસ્યાનું 3 દિવસમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો, પ્રતિક ઉપવાસ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.