રાજકોટ : 7 ફેબ્રુઆરી
રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા વસૂલી કરવાનો આરોપ લગાવાયો છે. જેને સાંસદ રામ મોકરિયા બાદ હવે મંત્રી અરવિંદ રૈયાણીએ પણ સમર્થન આપ્યું છે. અને કડક કાર્યવાહીની માગ કરી છે. ત્યારે આ વચ્ચે વધુ બે વેપારી સામે આવ્યું છે. ટિમ્બરના વેપારીએ રાજકોટ ક્રાઇમબ્રાન્ચ હેરાન કરતી હોવાનો અને ઉઘરાણી કરતી હોવાનો આરોપ કર્યો છે.
કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વસૂલી વિવાદમાં મેદાને આવ્યા છે, અને ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યુ છે કે, ભાજપ અધિકારીઓને છાવરવા માગે છે, અને ગુજરાતમાં હજુ દંડારાજ વધશે તેમ જણાવ્યુ છે. આ ઉપરાંત સી.આર. પાટિલને સુપર CM ગણાવ્યા છે.
ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહરાજ્ય મંત્રીને લખેલા પત્રમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ જે આરોપ લગાવ્યા છે. તે આરોપોને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સાચા ગણાવ્યા છે. રામ મોકરિયાએ કહ્યું છે કે, પોલીસ કમિશનર ઉઘરાણી અને જમીનના હવાલા લે છે. પોલીસ કમિશનર કમિશનથી જ કામ કરતાં હોવાનો આરોપ રામ મોકરિયાએ લગાવ્યો છે. મોકરિયાએ કહ્યું કે, કમિશનરને જમીનના સોદાઓમાં વધુ રસ છે. જમીન વિવાદમાં મોટી રકમ મેળવે છે. આમ આદમીનું કામ નથી થતું. ફિલ્ડમાં પણ નબળા અને માનીતા અધિકારીઓને જ રાખ્યા છે. મનોજ અગ્રવાલને સારી જગ્યાએ ન મૂકાય તેવી રજૂઆત પણ રામ મોકરિયા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ પોલીસના બદલે મનોજ અગ્રવાલ પર નિશાન તાકતા કહ્યું છે કે, ‘બધી પોલીસ ભ્રષ્ટાચારી નથી, મનોજ અગ્રવાલ છે’
રાજકોટ પોલીસ કમિશનર સામે ધારાસભ્યએ કરેલા આક્ષેપો પર ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. 72 કલાકમાં તપાસ પૂર્ણ કરી અહેવાલ DGPને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીન પ્રકરણમાં કરાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાનો ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને આદેશ કર્યો છે. સમગ્ર તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રજૂ કરવાની તાકીદ ગૃહ વિભાગે કરી છે. ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલી ફરિયાદની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે.