Home કોરોના ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રિકોશન ડોઝ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ રસીકરણ અભિયાન

ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રિકોશન ડોઝ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ રસીકરણ અભિયાન

108
0
પાટણ : 2 ફેબ્રુઆરી

પાટણ જિલ્લામાં કોરોના સામે પ્રતિકારકતા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સો ટકા રસીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના નેતૃત્વમાં વિવિધ વિભાગોના કર્મચારીઓને આયોજનબદ્ધ રીતે પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે.

કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ લીધા બાદ નવ મહિના પૂર્ણ થયા હોય તેવા ફ્રન્ટલાઈન વર્કર્સની યાદી તૈયાર કરી આરોગ્ય તંત્ર દ્વારા તેમને રસીનો પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત ભવન ખાતે યોજાયેલા ખાસ રસીકરણ કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા દરેક તાલુકાના ૧૦થી ૧૨ ગામોમાં દરરોજ કેમ્પેઇન કરી શાળાએ ન જતી કિશોરીનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ રસીકરણમાં કોઈ બાકી ન રહે તે માટે તલાટીશ દ્વારા નિભાવવામાં આવતા જન્મ નોંધણીના રજીસ્ટરની વિગતો તાલુકા હેલ્થ ઓફિસરને આપી લેફ્ટ આઉટને શોધી તેમનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
શિક્ષણ વિભાગની મદદથી પણ શાળાઓમાંથી વિગતો મેળવી બાકી વિદ્યાર્થીઓનું રસીકરણ કરવા આયોજન અને અમલીકરણ હાથ ધરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓમાં પણ કોઈપણ ફ્રન્ટલાઈન વર્કર બાકી ન રહે તે માટે યાદીઓ બનાવી, તેની ચકાસણી બાદ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

આ તબક્કે પ્રિકોશન ડોઝ સહિત રસીકરણમાં બાકી તમામ લોકોને રસીકરણ પૂર્ણ કરવા અને કોરોના સામે સુરક્ષિત થવા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here