પાટણ : 2 ફેબ્રુઆરી
ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ સંલગ્ન કોલેજોમાં સ્નાતક કક્ષાએ લેવાતી કેમ્પસ ડેવલોપમેન્ટ ફી સત્ર દીઠ રૂ .૧૦૦ લેવાતી હતી તેના બદલે હવે યુનિવર્સિટી દ્વારા કોલેજ વિકાસ કાળો વધારીને સત્ર દીઠ રૂ . ૨૫૦ કરાયો છે.યુનિવર્સિટી વિસ્તાર કોલેજ આચાર્ય મંડળ દ્વારા કરાયેલ રજુઆત ધ્યાને લઈને સેલ્ફ ફાઈનાન્સ અને ગ્રાન્ટેડ કોલેજોમાં વિકાસ ફાળા ફીમાં વધારો મંજૂર રાખવામાં આવતા નવા સત્રથી સંલગ્ન કોલેજોમાં છાત્રોને વિકાસ ફાળા ફી ૩.૧૦૦ ના બદલે ૨૫૦ ભરવી પડશે.
યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં સ્ટાફના અભાવે તથા ઓછી ગ્રાન્ટ મળવાના કારણે કોલેજના નિભાવ માટે સત્ર દીઠ રૂપિયા ૧૦૦ વિકાસ ફાળો લેવાનો પરિપત્ર કરાયેલ હતો પરંતુ કોલેજોમાં દિન – પ્રતિદિન રેગ્યુલર સ્ટાફ નિવૃત થઇ રહ્યો છે અને નવો સ્ટાફ મળતો નથી તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર તેમજ કોલેજોની વહીવટી પ્રક્રિયા ઉપર અસર પડી રહી હોય , તેમજ વિદ્યાર્થી દીઠ નિભાવ ગ્રાન્ટ ખૂબ જ જૂની હોઇ તેમાં લાંબા સમયથી કોઈ સુધારો સરકારે કરેલ ન હોય આવા સંજોગોમાં કોલેજના ખર્ચા વધી રહ્યા છે તેથી કોલેજના વધારાના સ્ટાફના પગાર ભથ્થા , શૈક્ષણિક સાધનોની સવલતો , સાફસફાઈ , પર્યાવરણ જાણવણી વગેરેના ખર્ચાઓને પહોંચી વળવા કોલેજ વિકાસ ફાળાની રકમ વધારીને સત્ર દીઠ રૂ . ૨૫૦ કરવા માટે ઉત્તર ગુજરાત વિસ્તાર કોલેજ પ્રિન્સિપાલ એસોસિએશન દ્વારા કુલપતિને રજુઆત કરાઈ હતી.
કોલેજના વિકાસ માટે વિવિધ નવા કામો તેમજ મોંઘવારીને લઈને વધેલ ખર્ચના કારણે કોલેજોને આર્થિક સંકડામણ અનુભવાતી હોઇ કોલેજ વિકાસ ફાળા ફી રૂ . ૧૦૦ માં સીધો ૧૫૦ રૂપિયાનો વધારો કરવા માટે મંજૂરી આપવા કોલેજ આચાર્ય મંડળ દ્વારા કરાયેલ રજુઆત યુનિવર્સિટી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી . એમ કોલેજ આચાર્ય મંડળના પ્રમુખ ડો.લલિત પટેલે જણાવ્યું હતું. શનિવારે મળેલી યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં આચાર્ય મંડળની રજૂઆતનું મૂકવામાં આવી હતી જેમાં તમામ સભ્યો દ્વારા ચર્ચા વિચારણા બાદ કોલેજોના હિતમાં વિકાસ ફાળા ફી માં વધારો મંજુર કરી ૨૫૦ કરવા મંજૂરી આપવામાં આવી હતી . કોલેજોમા સ્નાતક લેવલે લેવામાં આવતી કોલેજ વિકાસ ફાળા ફી માં આ નવો કરાયેલો વધારો નવા શૈક્ષણિક સત્રથી અમલમાં આવશે તેમ રજિસ્ટ્રાર ડો . ધર્મેન્દ્ર પટેલે એક મુલાકાતમાં આજે જણાવ્યું હતું .