પાટણ : ૧૯ જાન્યુઆરી
પાટણ નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ત્રણ માળની અદ્યતન ધારપુર સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજમાં છેલ્લા નવ મહિનાથી ૧૧ લીફટ બંધ હાલતમાં છે જેના કારણે દર્દીઓ અને તેમના પરીવારજનોને ભારે હાલાકીઓ ભોગવવી પડે છે. લિફટ સંચાલનની જવાબદારી સંભાળતી પી.આઇ.યુ. એજન્સીના જવાબદાર સત્તાધીશો કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી તાત્કાલિક બંધ ૧૧ લીફટો ચાલુ કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે.
પાટણ શહેર સહિત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે . તેમજ પાટણ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓ પણ પાટણ નજીક કરોડો રુપિયાના ખર્ચે બનેલી અદ્યતન ધારપુર સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજમાં રોજ મોટીસંખ્યામાં સારવાર માટે આવે છે . જેમાંથી કેટલાક દર્દીઓને દાખલ કરવામાં આવે છે પરંતુ કોરોનાની બીજી લહેર બાદ છેલ્લા આઠ મહિનાથી આ હોસ્પિટલની ૧૫ પૈકી ૧૧ લિફટો કોઇ કારણોસર બંધ છે . ત્રણ માળની આ અદ્યતન હોસ્પિટલમાં ૧૧ લિફટો બંધ છે . જેના કારણે અહીંયા દાખલ થતા દર્દીઓ તેમજ તેમના પરીવારજનોને સીડીના પગથીયા ચડીને પ્રથમ , બીજા અને ત્રીજા માળે જવાની ફરજ પડે છે . ખાસ કરીને વૃધ્ધો અને મહિલાઓને અનેક તકલીફો ભોગવવી પડે છે.