Home પાટણ પાટણ જિલ્લામાં તારીખ 21 અને ૨૨મીએ માવઠાની આગાહી : ખેડૂતો સચેત બને

પાટણ જિલ્લામાં તારીખ 21 અને ૨૨મીએ માવઠાની આગાહી : ખેડૂતો સચેત બને

197
0
પાટણ : ૧૯ જાન્યુઆરી

પાટણ જિલ્લામાં તારીખ 21 અને ૨૨મીએ માવઠાની આગાહી. હવામાન ખાતાના અહેવાલ મુજબ આગામી તા.૨૧ થી તા.૨૨ જાન્યુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી છે. પાટણ જિલ્લામાં ૧,૯૮,૧૩૪ હેક્ટરમાં રાઇ, ચણા, અજમો, જીરૂ, ઘઉં, સવા અને શાકભાજી જેવા રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આ પાકોના રક્ષણ માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

વાદળછાયા વાતાવરણને ધ્યાને લઇ હાલ ખેતરમાં રાઇ, વરિયાળી, જીરૂ, ચણા, શાકભાજી, દિવેલા, કપાસ જેવા ઉભા પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. આ ઉભા પાકમાં પિયત ટાળવુ, ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા, ફળ પાકો અને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે જ પહોંચાડવા.

જિલ્લામાં તારીખ 21 અને ૨૨મીએ માવઠાની આગાહી
જિલ્લામાં તારીખ 21 અને ૨૨મીએ માવઠાની આગાહી

વાદળછાયા હવામાનને કારણે જીરૂ પાકમાં ચરમી કે કાળીયો રોગ આવવાની શક્યતા હોઇ, રોગ આવવાની રાહ જોયા વગર મેન્કોઝેબ ૩૫ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ૨૫ મી.લી. દેશી સાબુના સંતુષ્ટ દ્રાવણ સાથે મેળવી ઝાકળ ઉડી ગયા પછી છોડ સંપૂર્ણ ભીંજાય તેમ છંટકાવ કરવો. જીરૂ પાકમાં ભૂકી છારા (છાસિયા) રોગના નિયંત્રણ માટે હેકટરે ૨૫ કિ.ગ્રા. ગંધક પાવડર વહેલી સવારે ઝાકળ ઉડ્યા પહેલાં જમીનને બદલે દરેક છોડ ઉપર સરખી રીતે પડે તેમ ડસ્ટરથી છાંટવો અથવા ૦.૨ ટકા વે.પા. (પાણીમાં દ્રાવ્ય) ૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ પ્રમાણે ઝાકળ ઉડી ગયા બાદ છાંટવો. જીરૂમાં પિયત અને યુરીયા ખાતર આપવું નહીં.

વરિયાળી પાકમાં ચરમીના રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થયે તરત જ મેન્કોઝેબ દવા ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૨૫ મિ.લી. સાબુના સંતૃપ્ત દ્રાવણ મિશ્રણ કરી છાંટવી તેમજ ૧૦ દિવસના અંતરે અન્ય બે છંટકાવ કરવા. વરિયાળી પાકમાં ચરમી અને સાકરીયાના રોગના નિયંત્રણ માટે પિયત પાણીનું નિયમન કરવું અને નાઇટ્રોજન ખાતર ભલામણ થયેલ માત્રામાં જ આપવું.
જીરૂ, વરિયાળી સહિત મસાલાના તમામ પાકો માટે મોલોમશી, થ્રીપ્સ, તડતડીયાના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ ૧૦-૧૫ મિલી/૧૦ લિટર પાણીમાં, જેવી કે મોનોક્રોટોફોસ ડાયમિથોએટ, મિથાઇલ-ઓ-ડીમેટોન છંટકાવ કરવા ખેડૂતોને ભલામણ છે.

રાઇ પાકમાં મોલોમશીના નિયંત્રણ માટે ફોસ્ફામીડોન ૦.૦૪% ૪ મિ.લી. દવા અથવા રોગર ૦.૦૩% ૧૦ મિ.લી. દવા અથવા મોનોક્રોટોફોસ ૦.૦૫% ૧૨.૫ મિ.લી. દવા પૈકી કોઇ પણ એક શોષક પ્રકારની જંતુનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. અથવા મીથાઇલ પેરાથીઓન (ફોલીડોલ) ૨% પાવડર અથવા ઇકાલક્ષ ૧.૫% પાવડર હેક્ટરે ૨૦ થી ૨૫ કિલો ગ્રામ મુજબ છંટકાવ કરવો.

એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાંકીને રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લઇ જવાતી ખેતપેદાશો તાડપત્રી ઢાંકીને જ લઇ જવી. રાસાયણિક ખાતર કે નવું ખરીદેલ બિયારણ અથવા જંતુનાશક દવા ખેત સામગ્રી પલળે નહીં તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવું.

જિલ્લામાં તારીખ 21 અને ૨૨મીએ માવઠાની આગાહી
જિલ્લામાં તારીખ 21 અને ૨૨મીએ માવઠાની આગાહી

વિણી કરેલ શાકભાજી કે કાપણી કરેલો પાક હોય તો વરસાદથી પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. કપાસ પાકમાં વિણી બાકી હોય તો કરી લેવી અને કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. વધુ પ્રમાણમાં કમોસમી વરસાદ થાય તો નીચાણવાળા ભાગોમાં જીરૂ, રાઇ તથા ચણા જેવા ઉભા પાકોમાં પાણી ભરાયું હોય તો તુરંત તેનો નિકાલ કરવો. વધુ માહિતી માટે નજીકના ગ્રામ સેવકનો અથવા ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અનુરોધ કર્યો છે.

#TrendingGujarat


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here