ગીર સોમનાથ : 16 માર્ચ
બાતમી મળતા રાત્રીના જ એએસપીએ મોટર સાયકલ પર ચુંનદા સ્ટાફ સાથે સવાર થઇ સપાટો બોલાવતી કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો
પોલીસે સ્થળ પરથી 6 કટર મશીનો, જનરેટર સેટ, ટ્રેકટર-ટ્રોલી સહિત રૂ.12 લાખનો મુદામાલ જપ્ત કર્યો
એએસપીની કાર્યવાહી બાદ ખાણ ખનીજ, મામલતદાર, કલેકટર અને સ્થાનીક પોલીસની ભ્રષ્ટ વૃત્તિ ખુલ્લી પડી…
ગીર સોમનાથ જીલ્લામાં ગીર બોર્ડર નજીકના ઘાટવાડ ગામના ઇકો સેન્સેટીવ ઝોનમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ખાણો પર ફરી એક વાર એએસપીએ દરોડો પાડી સપાટો બોલાવતી કાર્યવાહી હાથ ઘરી કટર મશીન, જનરેટર સેટ, ટ્રેકટર-ટ્રોલી સહિત રૂ.12 લાખનો મુદામાલ સીઝ કરતા ચકચાર મચી ગઇ છે. તમામ વિભાગોને અંઘારામાં રાખી ગતરાત્રીના સમયે મોટરસાયકલ પર સવાર થઇ એએસપીએ ચુંનદા સ્ટાફ સાથે 6 જેટલી ગેરકાયદેસર ખાણો ઉપર દરોડો પાડતા ખળભળાટ મચી ગયો છે. આ ગેરકાયદેસર ખાણો કોડીનારના દિલીપ બચુ બારડ અને ભાવસી ગાંડા દ્રારા ચલાવાતી હોવાનું સામે આવ્યુ છે. તો આજે સવારથી ખાણ ખનીજ વિભાગના અઘિકારીઓએ દોડી જઇ ગેરકાયદેસર ખાણોમાંથી કેટલી ખનીજ ચોરી થઇ તેની વિગતો મેળવવા તપાસ હાથ ઘરી છે.
કુદરતી બક્ષીસો ઘરાવતા ગીર સોમનાથ જીલ્લામાં તંત્રીની મીઠી નજર હેઠળ અને રાજકીય ઓથ નીચે બેરોકટોક ખનીજ સંપદાઓની ખુલ્લેઆમ લુંટ ચાલી રહી છે. જેને રોકવામાં સરકારથી લઇ જવાબદાર તંત્ર નપુસંક સાબિત થતુ જણાય છે. એવા સમયે ગીર સોમનાથ એએેસપી ઓમપ્રકાશ જાટને મળેલ બાતમીના આઘારે તેઓએ ચુનંદા સ્ટાફ સાથે સિંઘમ સ્ટાઇલની માફક મોટર સાયકલ પર સવાર થઇ ગેરકાયદેસર ખાણો પર ત્રાટકી સપાટો બોલાવ્યો છે. જે અંગે પ્રાપ્ત વિગતોનુસાર જીલ્લાના કોડીનાર તાલુકામાં ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં જામવાળા-ઘાંટવડ આસપાસ રાત્રીના સમયે સરકારી જમીનો માં ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની બાતમી મળી હતી. જેના આઘારે ચુનંદા સ્ટાફને સાથે રાખી બાતમીવાળા વિસ્તારમાં ઓમપ્રકાશ જાટએ દરોડો પાડયા હતા. જેના પગલે થોડા સમય માટે ગેરકાયદેસર ખાણોમાં કામ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. જો કે, એએસપીના દરોડામાં ઘાંટવડ ગામના ભલગરીયા વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદે ખાણો ચાલતી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.
આ વિસ્તારમાંથી એએસપીએ એક પછી એક મળી કુલ 6 ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડી 6 જેટલા કટર મશીનો, 1 જનરેટર સેટ, 1 ટ્રેક્ટર- ટ્રોલી સહિત કુલ રૂ.12 લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ઘરી હતી. આ ગેરકાયદેસર ખાણો કોડીનારના દિલીપ બચુ બારડ અને ભાવસી ગાંડા દ્વારા ચલાવતી હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. આ દરોડા અંગે રાત્રીના અંઘારામાં રખાયેલ ખાણ ખનીજ વિભાગને સવારે જાણ કરવામાં આવતા અઘિકારીઓ સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવી કંઇ ખાણમાંથી કેટલી ખનીજની ચોરી થઇ તે જાણવા માપણી કરવા સહિતની કામગીરી શરૂ કરી હતી. તો એએસપીના ઓચિંતા દરોડાના પગલે ખળભળાટ મચી ગયો હતો.
જો એએસપીને બાતમી મળતી હોય તો અન્ય વિભાગોને કેમ નહીં ?
અત્રે નોંઘનીય છે કે, જીલ્લાના એએસપી ઓમપ્રકાશ જાટને આ અગાઉ પણ બાતમી મળતા બે વખત આવી જ રીતે આ જ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર ખાણો પર દરોડો પાડી સપાટો બોલાવતી કાર્યવાહી કરી હતી. ત્યારે સવાલ એ થાય છે કે જો એએસપીને ગેરકાયદેસર ખાણો ઘમઘમતી હોવાની માહિતી મળતી હોય તો પછી સંબંઘિત ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, કલેકટર, સ્થાનીક પોલીસને શું બાતમી કે માહિતી નહીં મળતી હોય ? જો મળતી હોય તો શું કામ દરોડાની કાર્યવાહી તેમના દ્રારા થતી નથી ? તેવા સૂચક સવાલો તંત્રની કહેવાતી નિષ્ઠાપૂર્વક ની કામગીરી સામે સંદેહ ઉભા કરી રહયા છે.
જીલ્લામાં ગીર જંગલની બોર્ડર પર ગેરકાયદેસર ખાણો બેરોકટોક ધમધમે છે જેની સામે અવાજ ઉઠાવનાર આરટીઆઇ એકટીવીસ્ટની ભુતકાળમાં હત્યા પણ થઇ ચુકી છે. તેમ છતાં આ ગેરકાયદેસર ખનીજ ખનનનો કરોડોનો કાળો કારોબાર બંઘ કરાવવામાં રાજય સરકાર અને તંત્ર નિષ્ફળ રહયુ છે.અને જાણકારો ના મતે સ્થાનિક તંત્ર ના સહકાર વિના આવી ગેરકાયદે પ્રવૃત્તિ શક્ય નથી. જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનનના કરોડોનો કાળો કારોબાર રાજકીય અને તંત્રના સંબંઘિત જવાબદાર તમામ વિભાગોની મિલીભગત અને થતી પ્રસાદીના ભોગે ચાલતો હોવાની કડવી વાસ્તવીકતા હોવાનું જાણકારો જણાવી રહયા છે. ત્યારે આ કાળો કારોબાર હવે અટકશે કે કેમ તે જોવું રહેશે.
ગીર સોમનાથ જિલ્લા ના એ.એસ. પી ઓમપ્રકાશ જાટ દ્વારા ત્રીજી વાર જંગલ બોર્ડર પર ની સરકારી જમીનો માં ચાલતા ગેરકાયદે ખનન પર દરોડા પડ્યા છે. ગંભીર બાબત તો એ છે કે જે સ્થળે ભૂતકાળમાં દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ જમીનો પર ફરી ભુમાફિયા બેખોફ બની ફરી ખનીજ ખનન કરી રહ્યા છે જેમાં કોડીનાર ના દેદા ની દેવળી ગામના કુખ્યાત ભાવસી ગાંડા અને દિલીપ બચુ બારડ ના નામો ત્રીજી વાર સામે આવ્યા છે આ ભુમાફિયા ઓ કોની ઓથ તળે આવી બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે શા માટે તંત્ર આવા ભુમાફિયા ઓ સામે કડક કાર્યવાહી કરતું નથી તેવો વેધક સવાલ લોકો માં ઉઠી રહ્યો છે…