સુરેન્દ્રનગર : 28 એપ્રિલ
‘જળ એ જ જીવન’ તથા ‘પાણી વિના નહી વિકાસ’ના મંત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ હેઠળ ગુજરાત રાજ્યના તમામ ગામોમાં નર્મદા નહેર. તથા પાઇપલાઇન દ્વારા પીવાનું તથા સિંચાઇનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના ઢાંકી ખાતે સરદાર સરોવર સિંચાઇ યોજના હેઠળ એશિયાનું સૌથી મોટું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવેલુ છે. અને ઢાંકીથી સુરેન્દ્રનગર, મુળી, ચોટીલા થઇ રાજકોટ સુધી તથા ઢાંકીથી ધ્રાંગધ્રા, હળવદ થઇ માળીયા સુધી અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી જીલ્લાના કુલ 1200 ગામો તથા કુલ 21 મોટા શહેરોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં ઉનાળામાં ભુગર્ભ જળના સ્ત્રોતો સુકાઇ જતા હોય અથવા તો ખુબ ઉંડા જતા રહેતા હોય, જેથી પીવાના તથા સિંચાઇના પાણીની તંગી સર્જાતી હોય છે. જે તંગીને નિવારવા સરકાર દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના દરેક ગામોની પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા તથા ઉનાળુ પાકને સિંચાઇનું પાણી નહેર દ્વારા પહોંચાડવામાં આવે છે. તેમ છતાં અમુક ઇસમો દ્વારા પોતાના ખેતર કે ખેતરની નજીકથી પસાર થતી પાણીની અંડરગ્રાઉન્ડ લાઇનમાં પંક્ચર કરી તથા એર વાલ્વમાં ભંગાણ કરી, સિંચાઇ તથા ઔદ્યોગિક હેતુ માટે પીવાના પાણીની ચોરી કરવામાં આવતી હોય છે. જેથી છેવાડાના વિસ્તારમાં પીવાનું પાણી પહોંચી શકતું નથી.
જેથી ગ્રામજનો, આગેવાનો દ્વારા તે અંગે કાર્યવાહી કરવા સરકારમાં, પાણી પુરવઠા વિભાગમાં, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ એજન્સીને અરજી કે ફરીયાદો કરવામાં આવતી હોય છે. જે અન્વયે પાણી પુરવઠા વિભાગ તથા અન્ય એજન્સીઓ સાથે પોલીસ વિભાગ દ્વારા સતત સંકલન રાખી સુરેન્દ્રનગર જીલ્લામાં વર્ષ-2020/21માં પાણી ચોરીના કુલ 7 ગુન્હાઓ રજીસ્ટર કરી કુલ 36 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા જિલ્લાનો કાર્યભાર સંભાળ્યા બાદ હંમેશા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારૂ જળવાઇ રહે અને આમ જનતાની પાયાની જરૂરીયાતો સંતોષાય તે માટે સતત ચિંતિત રહી લગતા વળગતા વિભાગો સાથે સતત સંકલન રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા પાણી પુરવઠા વિભાગ તથા રેવન્યુ વિભાગ તથા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ એજન્સી સાથે સતત સંકલન રાખી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં અમુક ઇસમો દ્વારા પંક્ચર કરી પીવાના પાણીની ચોરી કરી સિંચાઇ કે અન્ય ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં ન આવે તે માટે આગોતરૂ આયોજન હાથ ધરી ઉપરોકત વિભાગ/એજન્સીની ટીમો સાથે મુળી, સાયલા, ચોટીલા, નાની મોલડી, લખતર, ધ્રાંગધ્રા, તાલુકા વિગેરે પો.સ્ટે. તેમજ ડીવીઝનની ટીમ તથા એલ.સી.બી. – એસ.ઓ.જી.ની એમ અલગ અધિકારી-કર્મચારીઓની ટીમો બનાવી, દરેક ટીમો દ્વારા લગતા વળગતા વિભાગ સાથે સંકલન રાખી, રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખી તથા આકસ્મિક ચેકીંગ હાથ ધરી પાણી ચોરી કરતા ઇસમો શોધી કાઢી તેઓ વિરૂધ્ધ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.