ગોધરા : 7 માર્ચ
વિનયન કોલેજ, શહેરાનાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટ દ્વારા આજે નવી સુરેલી પ્રાથમિક શાળા, શહેરા ખાતે વાર્ષિક શીબીરમાં દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી થીમ પર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી યોગેશભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિનું મહત્વ, તેનાં પાંચ સિધ્ધાતો બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપસા અને જૈવ આધારીત વિવિધતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
શહેરા તાલુકાનાં બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી વિનોદભાઇ એસ.પટેલે જીવામૃતની બનાવટની રીત અંગે તેમજ તેનો ખેતીમાં કઇ રીતે ઉપયોગ કરવો તેની વિસ્તૃત સમજ આપી હતી. આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર શ્રી ગણપતભાઇ પટેલ દ્વારા પણ બીજામૃત, ઘન જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, દશ પર્ણી અર્ક બનાવવાની રીત તેમજ તેનાં મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાનાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS)માં જોડાયેલ વિધાર્થીઓ/વિધાર્થીનીઓ, પ્રાથમિક શાળાનાં શિક્ષક મિત્રો તેમજ ગામનાં ખેડુત ભાઇઓ અને બહેનોએ હાજર રહી શિબિરનો લાભ લીધો હતો.