નડિયાદ : 22 જાન્યુઆરી
મહુધાના કસાઈવાડામાં રહેણાંક મકાનમાંથી કતલખાનું ઝડપાયું, પોલીસને જોઈ ત્રણ કસાઈઓ પાછલા બારણાંથી રફુચક્કર થયા
મહુધાના કસાઈવાડામાં રહેણાંક મકાનમાં ચાલી રહેલ કતલખાના પર સ્થાનિક પોલીસ ત્રાટકી છે. જોકે આ બનાવમાં પોલીસને જોઈ ત્રણ કસાઈઓ પાછલા બારણાંથી ફરાર થઈ ગયા હતા. પહોંચેલી પોલીસે બે બળદોના જીવ બચાવી લીધા છે. પોલીસે આ અંગે પશુધારાની કલમ અન્વયે ગુનો નોંધી ફરાર થયેલા ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
રહેણાંક મકાનના ઓરડામાંથી ત્રાજવા, લોખંડનો છરો તથા બે બળદ મળી આવ્યા
મહુધા પોલીસે ગતરાત્રે મહુધા શહેરના કસાઈવાડામાં રહેતો મહેબુબહુસેન સાબીરહુસેન ખુરેશીના ઘરે દરોડો પાડયો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ મહેબુબહુસેન પોતે પોતના ઘરની પાછળ આવેલ ઓરડીમાં કતલખાનું ચલાવી રહ્યો છે. જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. આ કસાઈના ઘરમાં પોલીસ પહોંચે તે પહેલાંજ પોલીસને જોઈ જમવા બેઠેલા ત્રણેય કસાઈઓ જમવાનો કોળિયો અધૂરો મૂકી પાછલા બારણેથી રફુચક્કર થઈ ગયા હતા.
મહુધા પોલીસે ફરાર થયેલા ત્રણેય ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
જોકે પોલીસ આ ત્રણેય લોકોની પાછળ દોડી પરંતુ કસાઈઓ હાથે લાગ્યા નહોતા. ઘરની પાછળની ઓરડીમાં તપાસ કરતાં ત્યાં જીવીત બે બળદો મળી આવ્યા હતા. અને ત્રાજવા, લોખંડનો છરો સહિતની સામગ્રી મળી આવી હતી. આથી પોલીસે આ અંગે પંચનામુ કરી ફરાર થયેલા મહેબુબહુસેન કુરેશી, મહોસીનહુસેન સિદીકહુસેન કુરેશી અને મુસો પલેડી (તમામ રહે. મહુધા)ને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.