આણંદ: આણંદ ક્ષત્રીય સેના, આણંદ જિલ્લા દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ મેળવનાર કુલ 531 તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અમૂલ ડેરીના સરદાર પટેલ હોલ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, આણંદ ક્ષત્રીય સેનાના આગેવાનો, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર કમલેશ ડાભી, કોર્પોરેટરો તેમજ વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનોએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વક્તાઓએ વિદ્યાર્થીઓને સતત મહેનત, શિસ્ત અને સમર્પણ સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ સમગ્ર સમારોહને ઉત્સાહપૂર્ણ અને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. સન્માનિત થયેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી હતી.




















