સુરત : 22 જાન્યુઆરી
અડાજણ-પાલના એક નવ નિર્મિત કોમ્પ્લેક્ષમાં ટ્રેકટર ચાલક પિતા એ પોતાની જ ત્રણ વર્ષની માસુમ દીકરીને કચડી નાખતા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ કોમ્પ્લેક્ષ કંપાઉન્ડમાં છારું ભરવા ટ્રેકટર રીવર્સમાં લેવા જતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પીડિત પિતા સુરેશભાઈ બારીયાએ કહ્યું હતું કે, તેઓ જાલોડના રહેવાસી છે. ત્રણ મહિનાથી અડાજણ પાલના નવ નિર્મિત કોમ્પ્લેક્ષ શ્રીપથમાં લેબર(મજૂરી) કામ કરી પત્ની અને બે માસુમ દીકરીઓ સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. આજે સવારે લગભગ 10 વાગ્યા ના અરસામાં કોમ્પ્લેક્ષના કંપાઉન્ડમાં પડેલું છારું ભરવાનું કામ મળતા ટ્રેકટર મગાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેકટર રિવર્સમાં લેવા જતા એક દીકરી ટ્રેકટર નીચે કચડાય ગયું હોવાની બુમાબુમ થઈ ગઈ હતી. ઉતરીને જોતા કાળનો કોળિયો બનેલી માસુમ મારી જ નાની દીકરી શીતલ હતી. લોહી લુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા મૃત જાહેર કરવામાં આવી છે. કોન્ટ્રાકટર રાજુભાઇ ના માર્ગ દર્શન કામ ચાલતું હોવાનું સુપર વાઇઝરે જણાવ્યું હતું. હાલમાં આ ઘટના અંગે અડાજણ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.