આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમારની ઉપસ્થિતિમાં આણંદ ખાતે જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ તેમના સૂચનો રજુ કર્યા હતા.
બેઠકમાં પોલીસ વિભાગ અને જિલ્લાના વહીવટી વિભાગ સાથે મીડિયાનો વધુ સારો સમન્વય થાય અને પ્રજાના પ્રશ્નો અને મુંઝવણોના સમાધાન માટે અસરકારક પરિણામ લાવવા, ઈંટોના ઈંટવાળામાં બાળ મજૂરીનો ભોગ બનતા બાળકો બાબતે, ગ્રામ રક્ષક દળને પ્રોત્સાહન આપવા બાબતે, લોકોની રજુઆત માટે મેસેન્જર સુવિધા ઉભી કરવા બાબતે, ગ્રામ રક્ષક દળ અને ગૃહ રક્ષક દળના જવાનો સામાજિક સન્માન આપવા, પોલીસ વિભાગના જવાનોની નિયમિત નિ:શુલ્ક સ્વાસ્થ્ય તપાસણી કરવા, નશાકારક પદાર્થોના વેચાણ-સેવન સામે કડક કાર્યવાહી કરવા તથા જાગૃતતા ફેલાવવા અને પોલીસ વિભાગ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા સહિતના સૂચનો રજુ કર્યા હતા.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓના સૂચનો સાંભળીને આ મીટિંગ થકી આવનાર સમયમાં કાયદો અને વ્યવસ્થા વધુ સૃદઢ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. બેઠકની શરૂઆતમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જે. જે. ચૌધરીએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં પછાત વર્ગ અધિકારી, જિલ્લા ગૃહ રક્ષક દળ અધિકારી જયાબેન, મીડિયા પ્રતિનિધિ યશદીપ ગઢવી, અગ્રણી સર્વ રવિ પટેલ, ભાવિની પટેલ, મયુરીબેન, ભાવેશભાઈ આંજણા, અજયભાઇ ગઢવી, કલ્પેશભાઈ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.